લાલપુર તાલુકાના સણોસરા ગામમાં રહેતા શખ્સે ચાર જ્ઞાતિના સમાજના વેપારીઓને અભદ્ર ભાષામાં વાતચિત કર્યાનો વીડિયો વાયરલ થતા પોલીસે આ શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગેની વિગત મુજબ લાલપુર તાલુકાના સણોસરા ગામમાં રહેતા કેતન રસિકલાલ અંબાસણા નામના શખ્સનો એક વીડિયો વાયરલ થયો હતો આ વીડિયોમાં કેતને સતવારા, સગર, આહિર અને ગામેતી સમાજના લોકોને અપશબ્દો કહ્યા હતાં. તેમજ ફર્નિચર, વેલ્ડીંગનો વ્યવસાય કરતા સુથાર, લુહાર વગેરે સમાજનો હોય તે છોડીને ખેતી કરવાની સલાહ આપી હતી. ઉપરાંત અલગ અલગ ધર્મ અને જાતિ વચ્ચે દુશ્મનાવટ ઉભી થાય, સુલેહ શાંતિનો ભંગ થાય તેવું બોલતો વીડિયો વાયરલ થયો છે અને વીડિયોમાં કેતન, ‘ચોખો વીડિયો નાખું છું. થાય તે મારું કરી લેજો.’ આવા શબ્દો બોલ્યો હતો. વાયરલ થયેલા વીડિયોને કારણે પીએસઆઈ ડી.એસ. વાઢેર તથા સ્ટાફે હરકતમાં આવીને કેતન વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.