કાલાવડ ગામમાં આવેલી માછરડા સોસાયટીમાં રહેતી મહિલાને તેની સાસુએ મજૂરીકામ જવાનું કહેતા મનમાં લાગી આવતા તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જામનગર શહેરના દિ.પ્લોટ વિસ્તારમાં લોખંડનો પાઈપ વીજલાઈનને અડી જતા વીજશોકથી વૃદ્ધ લુહારનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, કાલાવડ ગામમાં નાની વાવડી રોડ પર આવેલા પાવર હાઉસ પાછળની માછરડા સોસાયટીમાં રહેતી વર્ષાબેન મનસુખ બાબરિયા (ઉ.વ.29) નામની મહિલાને તેણીની સાસુએ મજૂરીકામે જવાનું કહયું હતું. આ બાબતનું મનમાં લાગી આવતા વર્ષાબેને બુધવારે સવારના સમયે તેના ઘરે એકલા હતાં ત્યારે રૂમનો દરવાજો બંધ કરી પંખામાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની જાણ મનસુખ બાબરિયાએ કરતા પીએસઆઈ વાય.આર. જોષી તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરમાં ગોકુલનગર વિસ્તારમાં રહેતા અને લુહારી કામ કરતા છોટુભાઈ દેવજીભાઈ કવા (ઉ.વ.70) નામના વૃધ્ધ બુધવારે રાત્રિના સમયે 49 દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં તેની દુકાનમાં સાફસફાઈ કરી લોખંડના પાઈપ ગોઠવતા હતાં તે દરમિયાન ઉપર જતી ઈલેકટ્રીક લાઈનને અડી જતા વીજશોક લાગતા ગંભીર રીતે દાઝી જવાથી સારવાર માટે ગુરૂ ગોબિંદસિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે હેકો એ.એન. નિમાવત તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.