સુરતમાં કોરોનાના ખપ્પરમાં પ્રતિદિન 240થી વધુ લોકોના મૃત્યુ થતાં હોવાનો સૂર તીવ્ર બની રહ્યો છે. હોસ્પિટલની જેમ સ્મશાનભૂમિમાં પણ ડેડબોડીના અંતિમસંસ્કાર માટે લાઇન લાગી છે. સ્મશાન પણ મડદાઓથી ઊભરાઇ રહ્યાં હોઇ ખાનગી હોસ્પિટલોમાં કોવિડમાં મૃત્યુ પામેલા દર્દીઓની ડેડબોડી ઉપાડવામાં બે કલાકનું વેઇટિંગ શરૂ થયું છે. શહેરમાં કોરોનાની સમયસર સારવાર માટે દર્દીઓ ભટકી રહ્યાં છે. નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં સબ-સલામતની બૂમો વચ્ચે સરકારી તંત્ર શહેરના ચોક્કસ વર્ગનો વિશ્વાસ ગુમાવી ચૂક્યું છે. આને કારણે ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઇ રહી છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા સંખ્યાબંધ દર્દીઓ આજે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યાં છે. પરિવારજનો આ દર્દીઓ માટે દવા અને દુઆ બંને કરી રહ્યાં હોવા છતાં અનેક લોકો સારવાર દરમિયાન જીવ ગુમાવી રહ્યાં છે.
સુરતમાં રોજ સરેરાશ 240 લોકોના મોત થઈ રહ્યા હોવાના ચોંકાવનારા આંકડાથી હડકંપ મચી ગયો છે. સુરતના દરેક સ્મશાનમાં જગ્યા ખૂટી પડી છે, સ્મશાનગૃહમાં પરિવારજનો ડેડબોડી સાથે વેટિંગમાં લાઇન લાગે છે. સુરતમાંથી ડેડબોડીઓની અંતિમવિધિ કરવા માટે બારડોલી લઇ જવા પડ્યા છે. સુરતીઓ માટે આ ડરામણું ચિત્ર છે, પણ સત્ય છે. અશ્વનીકુમાર સ્મશાનમાં સરેરાશ 112 અગ્નિસંસ્કાર થાય છે. કુરુક્ષેત્રમાં 75 અને ઉમરા સ્મશાન ગૃહમાં 53 કોવિડ અને નોન-કોવિડ મૃતકોનાં અગ્નિસંસ્કાર થાય છે. સ્મશાનગૃહમાં વેઇટિંગ હોવાથી ટોકન શરૂ કરાયા છે. પ્રથમ દિવસે બારડોલીમાં 6 મૃતદેહની અંતિમવિધિ કરાઇ છે. ઘરે સારવાર લેનારા દર્દીઓના મૃત્યુમાં પણ વધારો થયો છે. જેમના અગ્નિસંસ્કાર કોવિડ પ્રોટોકોલ પ્રમાણે થતા નથી. આવા દર્દીઓના નોન-કોવિડ ગણાતા હોવાથી તેમની સાથે પણ સ્વજનો આવે છે.