જામનગર સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ ભયાનક બની ગઇ છે. રેકોર્ડ બ્રેક કેસ અને મોતથી સરકાર પણ કફડી ઉઠતા રાજય સરકાર દ્વારા તમામ જિલ્લામાં નોડલ અધિકારી તરીકે આઇએએસ અધિકારીઓને મુકવામાં આવ્યા છે. તે તમામ અધિકારીઓને 05 દિવસ સુધી ફાળવાયેલ જિલ્લામાં મુકામ કરી મહામારીને કન્ટ્રોલ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
પોરબંદર-સોમનાથને બાદ કરતા સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં કોરોનાના કેસમાં બેફામ વધારો થયો છે. તેમાં રાજકોટ, જામનગર, મોરબીમાં કોરોનાના કેસનો રાફડો ફાટયો છે.
જામનગર અને રાજકોટ જિલ્લામાં ડેથ રેસીયો પણ વધી ગયો છે. જયારે મોરબીમાં કોરોનાનું સંક્રમણ ફાટીને ધૂમાડે ગયું છે. સ્થિતિ એટલી બધી ભયાનક બની ગઇ છે કે, હોસ્પિટલમાં સારવાર માટે જગ્યા નથી. અમરેલી, સુરેન્દ્રનગર, જુનાગઢમાં કેસ વધતા સરકાર હરકતમાં આવી છે.
રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસમાં કેસ 275થી 300ને પાર થઇ ગાય છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસમાં 2032 કેસ અને 89 દર્દીના મોત થતા હડકંપ મચી ગયો છે. આથી સરકારે તાબડતોબ જિલ્લામાં મુકેલા આઇએએસ નોડલ અધિકારીઓએ સતત 05 દિવસ સુધી જિલ્લામાં જ મુકામ કરી કોરોનાની નાબુદી માટે એકશન પ્લાન ઘડવાની કવાયત શરૂ કરવામાં આવી છે. શહેર-જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારમાં હોસ્પિટલ, તબીબ, દવા સહિતનની કેવી વ્યવસ્થા છે તેની સમીક્ષા શરૂ કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, જામનગર જિલ્લા માટે રાજય સરકારે ઘણાં સમયથી નોડલ આઇએએસ અધિકારી તરીકે જામનગરના પૂર્વ કલેકટર નલિન ઉપાઘ્યાયને જવાબદારીઓ સોંપી છે.