મોરબી કલેકટર સાથે ભાજપના નેતા કાંતિ અમૃતિયાએ જાહેરમાં કરેલી દબંગાઈનો વીડિયો સોશિયલ મીડિયામાં હાલ ચર્ચાનું કેંદ્ર બન્યો છે. શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીના નેતા કાંતિ અમૃતિયા પોતાની મોટી ઉંમરના અને આઇએએસ અધિકારીનું માન-સન્માન જાળવવાનું ભૂલ્યા હતા.
મોરબી કલેકટર જે.બી.પટેલ પોતાના અધિકારીઓ સાથે મોરબી હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા કાંતિ અમૃતિયા પણ હોસ્પિટલ પર પહોંચ્યા હતા અને કલેકટર સાથે તુકારે વાતચીત શરૂ કરી રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો. કલેકટર અને પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચે થયેલા સંવાદના અંશો પર નજર કરીએ તો.
કાંતિ અમૃતિયા: હોસ્પિટલમાં અમે સેવા માટે આવ્યા છીએ.
કલેકટર: અમે અમારા વહીવટી કામ માટે આવ્યા છીએ.
કાંતિ અમૃતિયા: અરે, પણ વહીવટી કામની મેં કયાં ના પાડી, મેં તને ડિસ્ટર્બ કર્યો?. કામ કરવા નથી ને ઠેકડા મારવા છે. કોના સામે વાત કરો છો તમે?
કાંતિ અમૃતિયા: અમે સેવા કરવા માટે આવીએ છીએ.
કલેકટર: સેવા કરો છો તમે, ખબર છે મને. મારી વાત સાંભળો કાંતિભાઈ તમે.
કાંતિ અમૃતિયા: મર્યાદા રાખો તમે.
કલેકટર: પણ મેં શું કીધું તમને.
કાંતિ અમૃતિયા: અમે તમને કામમાં હેલ્પ કરવા આવ્યા છીએ.
કલેકટર: હેલ્પ કરો, પણ પહેલા અમને અમારી વ્યવસ્થા જોઈ લેવા દો.
કાંતિ અમૃતિયા: તમારે દસ-દસ લાખ રૂપિયા પૈસા ખાવા છે, પૈસા ખાવા સિવાય કંઈ કરવું નથી ને મારી સામે ફિલોસોફી કરો છો.
કાંતિ અમૃતિયા: ઈ બોલે છે કોના સામે, આને ખબર નથી કે હું કોણ છું?
એક મિનિટ સુધી હોસ્પિટલની લોબીમાં કલેકટર પર અમૃતિયાએ રોફ જમાવવાનું ચાલુ રાખતાં અંતે કલેકટર ત્યાંથી સીડી ઊતરી નીકળી ગયા હતા.
તાજેતરમાં યોજોયલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે ભીડ એકઠી કરી પ્રચાર-પ્રસાર કરતા નેતાઓમાંથી કોઈ અધિકારીઓને પૂછવા જતાં ના હતા અને હવે જ્યારે કોરોનાની સ્થિતિ વિસ્ફોટક બની છે અને લોકોમાં રોષ વધી રહ્યો છે ત્યારે નેતાઓ ઘાંઘા થઈ અધિકારીઓ પર રોષ ઠાલવી રહ્યા છે.