દેશમાં જે ઝડપે કોરોના વકરી રહ્યો છે તે ખૂબ જ ચિંતાજનક બાબત છે. વર્લ્ડોમીટરના અહેવાલ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1.15 લાખ નવા કેસ સામે આવ્યા છે. દેશમાં બીજી વખત કોરોનાના દૈનિક કેસનો આંકડો એક લાખને પાર ગયો છે. અગાઉ રવિવારે 24 કલાકમાં સંક્રમણના 1,03,558 નવા કેસ સામે આવ્યા હતા. આ ભારતમાં કોરોનાનો અત્યાર સુધીનો સૌથી મોટો દૈનિક ઉછાળો છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 1,27,99,746 થઈ ગઈ છે. ઉપરાંત દેશમાં સક્રિય કેસની સંખ્યાએ 8 લાખનો આંકડો પાર કરી લીધો છે અને સક્રિય કેસની સંખ્યા 8,43,779 છે. એક્ટિવ કેસ મામલે ભારત વિશ્ર્વમાં ચોથા ક્રમે છે અને છેલ્લા 24 કલાકમાં 631 લોકોના મોત નોંધાયા છે. આ સાથે જ ઘાતક સંક્રમણના કારણે મરનારા લોકોની સંખ્યા 1,66,208 થઈ ગઈ છે. એક અભ્યાસ પ્રમાણે કોરોના વાયરસની બીજી લહેર પહેલી લહેરની તુલનામાં વધુ ઘાતક સિદ્ધ થઈ રહી છે. કોરોનાના કુલ કેસ પૈકી 5 સૌથી પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર (31,13,354), કેરળ (11,37,590), કર્ણાટક (10,20,434), આંધ્ર પ્રદેશ (9,09,002) અને તમિલનાડુ (9,03,479) છે. કોરોનાના આંકડા સતત સાવધાન રહેવા તરફ ઈશારો કરી રહ્યા છે. સૌથી ચિંતાજનક સ્થિતિ મહારાષ્ટ્ર અને મુંબઈની છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 55,000 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે મુંબઈમાં 24 કલાકમાં નવા કેસનો આંકડો 10,000ને પાર થઈ ગયો છે. દિલ્હીમાં આ આંકડો વધીને 5 હજારને પાર થઈ ગયો છે. સપ્ટેમ્બર બાદ પહેલી વખત દિલ્હીમાં નવા કેસનો આંકડો 5 હજારને પાર ગયો છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 5,100 નવા કેસ નોંધાયા અને 17 લોકોના મોત થયા છે.