જામનગર બાર એસોસિએશન દ્વારા આગામી તા.21 એપ્રિલ સુધી અરજન્ટ કામગીરી સિવાય તમામ કેસો મુલત્વી રાખવા તથા પક્ષકારોની અનિવાર્ય હાજરી સિવાય કોર્ટ પરીસરમાં પ્રવેશ ન આપવા સહિતની રજૂઆતો ચીફ જસ્ટીસને પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ જજ જામનગર મારફત કરવામાં આવી છે.
જામનગર બાર એસોસિએશન દ્વારા કોરોનાની મહામારીને ધ્યાને લઇ આજરોજ તા.6ના અરજન્ટ મીટીંગ યોજાઇ હતી. જામનગર વકિલ મંડળના 11 જેટલા સભ્યો કોરોનાગ્રસ્ત હોઇ અને હાલ સારવાર હેઠળ હોઇ જેને ધ્યાને લઇ જામનગરની તમામ કોર્ટોમાં અરજન્ટ કામગીરી જેમ કે જામીન અરજી, મનાઇ હુકમ અરજી, રિમાન્ડ અરજી, ભરણ પોષણની અરજી તથા કલેઇમ કેસોમાં રકમ ઉપાડવાની અરજી જેવી અરજન્ટ કામગીરી સિવાય તમામ કેસો તા.6 એપ્રિલથી 21 એપ્રિલ સુધી મુલત્વી રાખવા ઠરાવ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તા.6/4/21 થી તા.21/4/2021 સુધી પક્ષકારો તથા વકિલોની ગેરહાજરી દરગુજર કરી કેસોમાં જે તે સ્ટેજ જાળવી રાખી અને હુકમ કે વોરન્ટની કાર્યવાહી ન થાય તે અંગે સુચના આપવા તેમજ પક્ષકારોની અનિવાર્ય હાજરી સિવાય કોર્ટ પરીસરમાં પ્રવેશ આપવામાં ન આવે તેમ સુચના આપવા ઠરાવ કરીમાંગણી કરવામાં આવી છે. તેમ જામનગર બાર એસોસિએશનના પ્રમુખ ભરતભાઇ સુવા, ઉપપ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા તથા સેક્રેટરી મનોજ ઝવેરી દ્વારા રજૂઆત કરવામાં આવી છે.