સિરિયલોમાં નાના પાત્રો ભજવનાર અભિનેતાની રાંદેર પોલીસે ચેન સ્નેચિંગના ગુનામાં ધરપકડ કરી છે. અભિનેતા લોકપ્રિય કોમેડી સીરિયલ તારક મહેતા કા ઉલટા ચશ્મામાં પણ કામ કરી ચૂકયો છે. પોલીસે મૂળ જુનાગઢનો રહેવાસી અભિનેતા મિરાજ વલ્લભદાસ કાપડી પાસેથી ત્રણ સોનાના ચેન મળી આવ્યા છે. ચેન સ્નેચિંગના મામલામાં અભિનેતાની સાથે એક બિલ્ડરની પણ પોલીસે ધરપકડ કરી છે, જેની ઓળખ વૈભવ બાબુ જાદવ તરીકે થઈ છે.
હકીકતમાં, પોલીસને બાતમીદારો પાસેથી બાતમી મળી હતી કે રાંદેર ચોકડી પાસે નજીક વૈભવ બાબુ જાદવ અને મીરાજ વલ્લભદાસ છે. આવી સ્થિતિમાં પોલીસે ટીમ બનાવી આરોપીઓને સ્થળ પરથી પકડી લીધા હતાં. આરોપી પાસેથી ત્રણ સોનાની ચેન, બે મોબાઈલ અને ચોરાઉ બાઇક સહિત બે લાખ 54 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે આરોપી મિરાજ કાપડીએ તારક મહેતાના ઉલટા ચશ્મા, સંયુક્ત, ડૂબકી, મેરે અંગને મેં જેવી ઘણી સિરિયલોમાં કામ કર્યું છે. તે શિક્ષિત છે અને બી-કોમની ડિગ્રી ધરાવે છે. આટલું જ નહીં, તે મુંબઈના અંધેરી સ્થિત મહાડામાં રહેતી વખતે ફિટનેસ ટ્રેનર તરીકે પણ કામ કરી ચૂકયો છે. જો કે, એક તેજસ્વી યૂવાનને ક્રિકેટનો સટ્ટો અંધારામાં દોરી ગયો છે. તેના ક્રિકેટના સટ્ટાબાજીના વ્યસનથી બંને આરોપી દેવામાં ડૂબી ગયા.