જામનગર શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ સતત વધતું જ જાય છે અને છેલ્લા 48 કલાક દરમ્યાન જિલ્લામાં કુલ 174 પોઝીટીવ કેસ નોંધાયા છે. જ્યારે 73 દર્દીઓએ કોરોનાને માત આપી છે. વધતા જતા સંક્રમણને અટકાવવા વહીવટીતંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટન્સીંગ ન જાળવતા અને માસ્ક ન પહેરતા લોકો વિરૂધ્ધ કડક કાર્યવાહીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. તેમ છતાં પોઝીટીવ કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. 48 કલાક દરમ્યાન કોરોનાથી 8 લોકોના મોત નિપજ્યા છે.
જામનગર શહેર અને જિલ્લામાં સમગ્ર દેશની સાથે-સાથે કોરોના પોઝીટીવ કેસોનું પ્રમાણ સતત વધી રહ્યું છે. શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં લોકોની માસ્ક પહેરવા અંગેની બેદરકારી તેમજ સોશિયલ ડિસ્ટન્સીંગ ન જાળવવાના કારણે જિલ્લાભરમાં કોરોનાની બીજી લહેર ઝડપથી વકરતી જાય છે. જિલ્લા કલેકટર રવિશંકર દ્વારા 4 દિવસ પૂર્વે જ જાહેર જનતા જોગ અપીલ કરી કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે, લોકોએ કોરોનાને અટકાવવા માટે ફરજીયાત સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવું પડશે અને માસ્ક પણ પહેરવું પડશે જેથી આપણે કોરોનાને હરાવી શકીએ તેમજ આ બન્નેમાં બેદરકારી દાખવતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં 22 માર્ચથી 3 એપ્રિલ સુધીના સમય દરમ્યાન મહાનગરપાલિકા દ્વારા 156 માસ્કના અને સોશિયલ ડિસ્ટન્સીંગના 338 કેસ નોંધી કુલ રૂા.2,73,500 નો દંડ વસૂલવામાં આવ્યો છે.
છેલ્લા 48 કલાક દરમ્યાન જામનગર શહેરમાં વધુ 92 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જ્યારે 39 દર્દીઓએ કોરોનાને માત આપી છે અને ગ્રામ્ય વિસ્તારમાં 72 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે અને 34 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આમ જિલ્લામાં 48 કલાક દરમ્યાન 174 પોઝીટીવ દર્દી ઉમેરાયા છે અને 73 દર્દીઓએ કોરોનાને માત આપી છે તથા આ 48 કલાક દરમ્યાન કોરોના હોસ્પિટલમાં થયેલા 8 દર્દીઓના મોત નિપજ્યા છે. છેલ્લા બે સપ્તાહથી જામનગર જિલ્લામાં કોરોના સંક્રમણ અને મૃત્યુઆંક ચિંતાજનક રીતે ગંભીર રીતે આગળ વધી રહ્યો છે. જે માટે લોકોએ જાગૃતતા દાખવવી ફરજિયાત બની ગયું છે અને સોશિયલ ડિસ્ટન્સીંગ તેમજ માસ્ક ફરજિયાત પહેરવાથી આ કોરોના સંક્રમણને અટકાવવામાં મહત્વનો ભાગ ભજવી શકે છે.