જામનગર શહેરના જકાતાનાકા પાસે આવેલાં ગૂંજનવાટિકા એપાર્ટમેન્ટમાં પાંચમાં માળે રહેતાં યૂવાને અગમય કારણસર તેના એપાર્ટમેન્ટની અગાસી પરથી પડતું મૂકી આપઘાત કર્યો હતો. જામનગર શહેરના ચાંદીબજાર વિસ્તારમાં આવેલાં કોમ્પલેક્ષના પાંચમા માળેથી અકસ્માતે નીચે પટકાતા તરૂણીનું મોત નિપજ્યાના બનાવમાં પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવ અંગેની વિગત મૂજબ જામનગર શહેરમાં જકાતનાકા પાસે આવેલા ગૂંજનવાટિકા એપાર્ટમેન્ટમાં 504 નંબરમાં ફલેટમાં રહેતાં મિલન મનસૂખભાઇ સુખાનંદી (ઉ.વ.37) નામના યૂવાને કોઇ અગમય કારણસર ગત્ શૂક્રવારે મધ્યરાત્રીના સમયે તેના એપાર્ટમેન્ટની અગાસી ઉપરથી છલાંગ લગાવી હતી અને નીચે પટકાતાં મોત નિપજયું હતું. આ અંગેની જાણ કરતાં એએસઆઇ ડી.જે.જોષી તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકની પત્ની જાગૃતિબેનના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથધરી હતી.
બીજો બનાવ જામનગર શહેરના ચાંદીબજાર વિસ્તારમાં આવેલાં નેમિનાત કોમ્પલેક્ષમાં પાંચમા માળે રહેતા રિપનકૂમાર અધવરીયુ નામના યૂવાનની પુત્રી શર્મીલા (ઉ.વ.16) નામની તરૂણીએ ગત શનિવારે રાત્રિના સમયે તેણીના ફ્લેટની બાલકનીમાંથી અકસ્માતે નીચે પટકાતા શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ તરૂણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેણીનું મોત નીપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું. જેના આધારે પીએસઆઇ આર.કે.ગુસાઇ તથા સ્ટાફે નટુભાઇ જોશીના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.