ખેડૂતો અને સરકાર વચ્ચે વિવાદનું કારણ બનેલા ત્રણ કૃષિ કાયદા અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની કમિટીએ પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. સીલબંધ કવરમાં સોંપાયેલી આ રિપોર્ટ પર હવે પાંચમી એપ્રિલથી કોર્ટમાં સુનવણી શરૂ થશે. કમિટીએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે આ મામલાનો ઉકેલ લાવવા માટે લગભગ 85 ખેડૂત સંગઠનો સાથે વાતચીત કરવામાં આવી છે. ત્રણ સભ્યોની કમિટીએ કૃષિ કાનૂન સંદર્ભે જાણીતા વિદ્વાનો અને કૃષિ નિષ્ણાતો સાથે ચર્ચા-વિચારણ કરી હતી. કમિટીએ તમામ લોકોની નવા ત્રણ કૃષિ કાનૂનને લઈને તેમના અભિપ્રાય લીધા છે.
ઉલ્લેખનિય છે કે સુપ્રીમ કોર્ટે 12 ફેબ્રુઆરીએ ત્રણ વિવાદાસ્પદ કાયદાઓના અમલીકરણ પર બે મહિના માટે રોક લગાવી દીધી હતી અને કમિટીને સંબંધિત પક્ષો સાથે વિચાર-વિમર્શ કરીને બે મહિનામાં રિપોર્ટ રજૂ કરવા કહ્યુ હતું. પંજાબ અને હરિયાણાના હજારો ખેડૂતો નવા કૃષિ કાયદાઓને રદ કરવાની માંગ સાથે ત્રણ મહિનાથી વધુ સમયથી દિલ્હીની નજીકની સરહદ પર તંબુ નાખી બેઠા છે. કેન્દ્ર સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે કેટલાક તબક્કાની વાતચીત બાદ પણ કોઈ ઉકેલ આવ્યો નહી અને સંઘર્ષ ચાલું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ત્રણ નવા કૃષિ કાયદા બનાવ્યા, ત્યારબાદ એનડીએ સરકારના સહયોગી મંત્રી હરસીમરત કૌરૈ રાજીનામું આપી દીધું હતું. આ ઉપરાંત પંજાબ અને હરિયાણામાં કૃષિ કાનૂનોને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.