જોડિયા તાલુકાના નેસડા ગામમાં રહેતા યુવાનને તેના જ ગામની યુવતી સાથે પ્રેમ સંબંધ હોય અને આ યુવતીનું અન્ય યુવાન સાથે સગપણ થયા બાદ યુવતી ઘરેથી ચાલી જતા આ બાબતનું મનદુ:ખ રાખી યુવતીના પરિવારજનોએ યુવાનના ઘરમાં ઘૂસી લાકડી અને પાઈપ વડે યુવાન તથા તેના પરિવારજનો ઉપર હુમલો કરી માર માર્યાની છ શખ્સો વિરૂધ્ધ નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જોડિયા તાલુકાના નેસડા ગામમાં રહેતા રાજેશ કરશન સોલંકી નામના યુવાનને તેના જ ગામમાં રહેતી રાધિકા સાથે પ્રેમ સંબંધ હતો પરંતુ બે સપ્તાહ પૂર્વે યુવતીના પરિવારજનોએ યુવતીની અન્ય યુવાન સાથે સગાઈ કરી હતી. આ સગાઈ બાદ યુવતી તેના ઘરેથી ચાલી ગઈ હતી. જેથી આ બાબતનો ખાર રાખી મંગળવારે રાત્રિના સમયે રાજેશ વશરામ મકવાણા, મુકેશ વશરામ મકવાણા, વશરામ કચરા મકવાણા, નરસંગ મુળુ સોલંકી, રામજી નરસંગ સોલંકી અને દાના બીજલ મકવાણા નામના છ શખ્સોએ ઘરમાં ઘુસી રાજેશ મકવાણાએ વીજુબેનને ફડાકા માર્યા હતાં તથા મયુરીને પીઠના ભાગે ખુરશી મારી હતી તેમજ રાજેશ તથા નરસંગે લાકડી અને પ્લાસ્ટિકની પાઈપ વડે જ્યોત્સનાબેનને માર માર્યો હતો. ત્યારે વચ્ચે છોડાવવા પડેલા ખીમાભાઈને વશરામ તથા મુકેશએ પકડી રાખ્યા હતાં જ્યારે નરસંગે પ્લાસ્ટિકના પાઇપ વડે આડેધડ માર માર્યો હતો.
હુમલામાં મહિલા સહિત ત્રણ વ્યકિતઓને નાની મોટી ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ એમ.આર. વાળા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી ગયો હતો અને હુમલામાં ઘવાયેલા મયુરી કરશનભાઈ સોલંકીના નિવેદનના આધારે છ શખ્સો વિરૂધ્ધ રાયોટીંગ અને હુમલાનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.