જામનગર સહિત સમગ્ર દેશમાં કોરોના પ્રતિરોધક રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. લોકોને કોરોના રસી મૂકાવા માટે અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે જામનગરમાં વોર્ડ નં.4ના કોર્પોરેટર રચનાબેન નંદાણિયા દ્વારા 60 વર્ષથી ઉપરના લોકોને રીક્ષામાં બેસાડી કોરોના રસી અપાવવા લઇ જઇ અનોખી રીતે જાગૃકતા અભિયાન ચલાવી જામનગરના તમામ કોર્પોરેટરોને પણ આ રીતે મોટી ઉમરના લોકોને કોરોના રસી અપાવવાની વ્યવસ્થા કરવા અનુરોધ કર્યો છે.
જામનગરમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. 60 વર્ષથી ઉપરના લોકોને રસીકરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે જામનગરના વોર્ડ નં.4ના કોર્પોરેટર રચનાબેન નંદાણિયાએ અલગ રીતે સેવા હાથ ધરી છે. તેના દ્વારા વોર્ડ નં.4ની એક સોસાયટીમાં 60 વર્ષથી ઉપરના લોકોને રીક્ષામાં બેસાડી કોરોના પ્રતિરોધક રસી અપાવવા વેકસીનેશન સેન્ટર સુધી લઇ જવાની સેવા આપી હતી. આ તકે તેઓએ જણાવ્યું હતું કે, જે રીતે રાજકીય પક્ષો ચૂંટણીમાં મત જોતા હોય, ત્યારે વડીલો માટે રીક્ષા રાખે છે અને રીક્ષા રાખીને મતદાન મથક સુધી લઇ જાય છે. ત્યારે કોરોના રસીકરણ માટે પણ 60 વર્ષથી વધુના લોકો માટે આવી વ્યવસ્થા કરવી જોઇએ અને જામનગરના તમામ કોર્પોરેટરોને પણ આ રીતે 60 વર્ષથી ઉપરના વડીલોને રીક્ષા રાખી વેકસીનેશન સેન્ટર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવા અપીલ કરી છે.