કોરોના મહામારીના પગલે 2020-21નું નાણાંકીય વર્ષ આર્થિક મોરચે ભારે ઉથલપાથલભર્યું પુરવાર થયું છે. જો કે, આ ઉથલપાથલ વચ્ચે પણ ભારતીય શેરબજારોએ વિશ્ર્વના આગેવાન શેરબજારોમાં શ્રેષ્ઠ દેખાવ દર્શાવ્યો છે. તોફાની તેજીના પગલે નાણાંકીય વર્ષ દરમિયાન રોકાણકારોની સંપત્તિમાં રૂ. 94 લાખ કરોડનો તોતિંગ વધારો નોંધાયો છે. 2021ના નાણાંકીય વર્ષનો પ્રારંભિક તબક્કામાં કોરોના મહામારીના પગલે શેરબજાર ઉંધા માથે પટકાતા બીએસઇ સેન્સેક્સ તૂટીને 25638 અને એનએસઇ એનએસઇનો નિફ્ટી 7511ની તળિયાની સપાટીએ ઉતરી આવ્યા હતા. જો કે, ગત મે માસના અંતિમ તબક્કા બાદ વિવિધ સાનુકૂળ પરિબળો પાછળ, ભારતીય શેરબજાર ટર્નએરાઉન્ડ થયું હતું અને સેન્સેક્સે અગાઉ ગુમાવેલી સપાટીઓ પરત હાંસલ કરી વિક્રમી એવી 50,000ની સપાટી કુદાવી 52516 સુધીની વિક્રમી તેજી દર્શાવી હતી. તો બીજી તરફ નિફ્ટી તળિયાની સપાટીથી ઉંચકાઈને 15000ની સપાટી કૂદાવી 15431ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. આમ, ચાલુ નાણાંકીય વર્ષમાં શેરબજારમાં ઉદભવેલ તોફાની તેજીના પગલે ભારતીય શેરબજારોએ વિશ્ર્વના અન્ય આગેવાન શેરબજારોની તુલનાએ શ્રેષ્ઠ દેખાવ દર્શાવ્યો હતો. ચાલુ નાણાંકીય વર્ષમાં સેન્સેક્સમાં 66.37 ટકા અને નિફ્ટીમાં 68.50 ટકાનો તોતિંગ ઉછાળો નોંધાયો હતો. શેરબજારમાં ઉદ્ભવેલ તોફાની તેજીના પગલે 2021ના નાણાં વર્ષમાં રોકાણકારોની સંપત્તિમાં (લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન) રૂ. 94 લાખ કરોડનો વધારો થતા તે 207.3 લાખ કરોડની ટોચે પહોંચ્યું હતું. ગત તા. 31 માર્ચ 2020ના રોજ બીએસઇનું માર્કેટ કેપ રૂ. 113.5 લાખ કરોડની સપાટીએ હતું. આમ, મહામારીની પ્રતિકૂળતા વચ્ચે રોકાણકારોની સંપત્તિમાં વધારો નોંધાયો છે.