ચૂંટણીમાં જેનો ઉપયોગ થાય છે તે ઈવીએમમાં રાજકીય સિમ્બોલને બદલે ઉમેદવારનું નામ, ઉંમર, તસવીર, શૈક્ષણિક લાયકાત વગેરે દર્શાવવાની માગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે.
અરજી પર સર્વોચ્ચ અદાલતે એટોની જનરલ અને સોલિસિટર જનરલનો અભિપ્રાય માગ્યો છે. અરજદારે અરજીમાં કહયુ છે કે ચૂંટણી પંચને એવો નિર્દેશ આપવો જોઈએ કે ઈવીએમમાં તે સિમ્બોલ હટાવી માત્ર ઉમેદવારનું નામ, ઉંમર, શિક્ષણ તથા ફોટો દર્શાવે. ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેની આગેવાની હેઠળની બેંચે આ મામલે ચૂંટણી પંચ કે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી નથી પરંતુ અરજદાર અશ્વિની ઉપાધ્યાયને કહ્યું કે તે અરજીની નકલ અટોની જનરલ કેકે વેણુગોપાલ અને સોલિસિટર જનરલ તુષાર મહેતાને ઉપલબ્ધ કરાવે પછી અમે આ મામલાને જોશું. સુનાવણી આગામી સપ્તાહે કરાશે.
અરજદાર વતી એડવોકેટ વિકાસ સિંહને ચીફ જસ્ટિસે પૂછયુ કે તે એ જણાવે કે ઈવીએમમાં સિમ્બોલ હોવાથી વાંધો શું છે ? જેના જવાબમાં સિંહે કહ્યું કે તેમના ક્લાયન્ટે આ મામલે ચૂંટણી પંચને લખ્યું હતું પરંતુ કોઈ જવાબ ન આવ્યો. અરજદાર એટલા માટે ઈવીએમમાં ઉમેદવારની વિગતો રાખવાની માગ કરે છે જેથી જાણી શકાય કે ઉમેદવાર કેટલો લોકપ્રિય છે.
સાથે બ્રાઝીલનું ઉદાહરણ આપવામાં આવ્યું જ્યાં સિમ્બોલનો ઉપયોગ કરાતો નથી. ઈવીએમમાં પાર્ટી સિમ્બોલ અને તેનો ઉપયોગ ગેરકાયદે અને ગેરબંધારણિય ગણાવી તે બંધ કરવા માગ કરવામાં આવી છે.