વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ભારતની આઝાદીના 75મા વર્ષે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતેથી દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવવાની સાથે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ એટલે સ્વતંત્રતાની ઉજાનું અમૃત. સ્વતંત્રતાનું અમૃત મહોત્સવ એટલે સ્વતંત્રતા સેનાનીઓની પ્રેરણાનું અમૃત. સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ એટલે નવા વિચારોનું અમૃત. નવા ઠરાવોનું અમૃત. સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ એટલે આત્મનિર્ભરતાનો અમૃત. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ વેબસાઇટ પણ લોન્ચ કરી હતી. સાથે સાથે ક્રાર્યક્રમ સ્થળે મુકવામાં આવેલા એક મોટા ચરખાનું અનાવરણ કર્યું હતું.
વડાપ્રધાન મોદીએ સંબોધનમાં જણાવ્યું કે, આપણે ઐતિહાસિક કાળ ખંડના સાક્ષી બની રહ્યા છીએ. આજે દાંડી યાત્રાની 91મી વર્ષગાંઠ પર ઇતિહાસ બનતો જોઈ રહ્યા છીએ અને ઇતિહાસનો ભાગ બનતા પણ જોઇ રહ્યા છીએ. આઝાદીનો અમૃત મહોત્સવ ઓગસ્ટ 2023 સુધી ચાલશે. હું આઝાદી બાદ પણ રાષ્ટ્રરક્ષાની પરંપરાને જીવિત રાખનારા શહીદોને નમન કરું છું. આ પુણ્ય આત્માઓએ આઝાદ ભારતના પુન:નિર્માણની એક એક ઈંટ રાખી. હું આ તમામના ચરણોમાં પ્રણામ કરું છું. અમૃત મહોત્સવના પાંચ સ્તંભોને મહત્વ આપવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નમકના અર્થને સમજાવતા જણાવ્યું હતુ કે નમકનો અર્થ છે ઈમાનદારી, વફાદારી. અમે આજે પણ કહીએ છે અમે દેશનું નમક ખાધું છું. નમકએ શ્રમ અને સમાનતાનું પ્રતીક છે. અંગ્રેજોએ આત્મનિર્ભરતાના પ્રતીક પર ઘાત કર્યો હતો. દિલ્હી ચલો નારો દેશ આજે પણ ભૂલી ન શકે. દરેક ચળવળ આપણને પ્રેરણા આપે છે. ઘણી ચળવળોને મળવું જોઈએ એટલું મહત્વ મળ્યું નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં ઉમેર્યુ હતુ કે 1857 ની આઝાદીની લડત, મહાત્મા ગાંધી વિદેશથી પાછા ફર્યા, દેશને સત્યાગ્રહની તાકાતની ફરીથી યાદ અપાવી, લોકમાન્ય તિલકની સંપૂર્ણ સ્વતંત્રતાની હાકલ, નેતાજી સુભાષચંદ્ર બોઝની આગેવાનીમાં આઝાદ હિંદ ફોજની દિલ્હી કૂચ, દિલ્હી ચલોના નારાને કોણ ભૂલી શકે પંડિત નહેરું, બાબા સાહેબ આંબેડકર, મૌલાના આઝાદ, સરદાર પટેલના સપનાનું ભારત બનાવવા માટે અમે આગળ વધી રહ્યા છે, દેશના ઈતિહાસમાં ઘણા એવા સંઘર્ષ છે, જેનું નામ આજે નથી લેવામાં આવતું, પરંતુ તમામનું એક પોતાનું આગવું મહત્વ છે. પીએમ મોદી બોલ્યા કે ભક્તિ આંદોલનને રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવ્યું અને સમગ્ર દેશોમાં આઝાદીના મહોત્સવને જન-જન સુધી પહોંચાડવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમેર્યુ હતું કે, અંગ્રેજોએ આત્મનિર્ભરતાના પ્રતીક પર ઘાત કર્યો હતો. આપણે મહાનાયકો અને મહાનાયિકોના જીવનને લોકો સુધી પહોંચાડવાનું છે. લોકતંત્રની મજબૂતી સાથે ભારત આગળ વધી રહ્યું છે. આર્થિક રૂપથી પણ ભારત આગળ વધ્યું છે. 130 કરોડની આકાંક્ષાઓ પર ભારત આગળ વધી રહ્યું છે. દેશ પાસે રસીનું સામર્થ્ય છે.
વસુધૈવ કુટુમ્બકમના સિદ્ધાંત સાથે ભારતે લોકોની મદદ કરી છે. રાષ્ટ્ર યજ્ઞમાં સંકલ્પ લઈને આપણી ભૂમિકા ભજવીએ. દેશના તમામ નાગરિકો અમૃત મહોત્સવના ભાગ હોવો જોઈએ. તમામ સ્કૂલ પણ 75 વર્ષ નિમિત્તે 75 ગ્રુપ બનાવીને વિવિધ કાર્યક્રમ કરવા જોઇએ.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જ્યારે હું દિલ્હીથી નીકળ્યો તો ખૂબ જ અદ્દભૂત સંયોગ થયો. આજે દિલ્હીમાં વરસાદ આવ્યો અને ગુજરાતમાં આ કાર્યક્રમની શરૂઆત થઇ રહી છે. આપણુ સૌભાગ્ય છે કે આપણે આ ઐતિહાસિક અવસરનો હિસ્સો બની રહ્યાં છીએ. દેશના અલગ-અલગ હિસ્સા જે આઝાદીની લડતના સાક્ષી બન્યા, જ્યાં જશ્ન ચાલી રહ્યો છે.
દરમિયાન વડાપ્રધાને સાબરમતી ગાંધી આશ્રમથી દાંડીયાત્રાનો ફ્લેગ ઓફ કરી શુભારંભ કરાવ્યો હતો. આ દાંડી યાત્રામાં 81 ગાંધી-અનુયાયીઓ જોડાયા છે અને 1930માં ઐતિહાસિક દાંડીયાત્રા સમયે મહાત્મા ગાંધીએ જે માર્ગો પર આ યાત્રા યોજી હતી એના પર જ આ યાત્રા આગળ વધી રહી છે. આ દાંડી યાત્રા ગાંધી આશ્રમથી દાંડીપુલ, વાડજ સર્કલથી ગુજરાત વિદ્યાપીઠ પહોંચી હતી. ત્યારે ત્યાં આ યાત્રાનું વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાંથી પદયાત્રા આગળ વધી પાલડી કોચરબ આશ્રમ ખાતે બપોરે રોકાણ કર્યું હતું. બપોરે ભોજન અને આરામ બાદ યાત્રા આગળ પાલડી એનઆઇડી થઈ બહેરામપુરા, દાણીલીમડા, નારોલ, અસલાલી થઇ આગળ વધી હતી.
મહત્વનું છે કે, સાબરમતી આશ્રમ ઉપરાંત ગુજરાતના મહત્વના છ જિલ્લાઓ ઉપરાંત 75 સ્થળોએ એક સામટી ઉજવણીનો આરંભ કરવામાં આવ્યો હતો. આજના આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને ગુજરાત પ્રદેશ ભાજપના વડા સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યપ્રધાન રૂપાણીએ સંબોધન કરતા જણાવ્યું કે, આજે સમગ્ર દેશની નજર ગુજરાત પર છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલે અહીંથી આઝાદીની લડતની શરૂઆત કરી હતી, એ જ ભૂમિ પર આજે આઝાદીની ઉજવણી થઈ છે. ગુજરાતની ભૂમિના સપૂત વડાપ્રધાન માર્ગદર્શન આપવા આવ્યા છે. દાંડી યાત્રાના 91 વર્ષ પર સમગ્ર દેશ એકજૂટ થઈને લીવ ફોર ધ નેશન બનવા જઈ રહ્યો છે.
નોંધનીય છે કે આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10.30 કલાકે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા. તેઓ ક્રિમ કલરનો ઝભ્ભો અને ખાદીના ખેસમાં આવ્યા હતા. તેમણે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. તેમજ હ્રદયકુંજમાં ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હતી. તેમજ પીએમ મોદીએ માસ્ક ઉતાર્યું હતું. પીએમ મોદી 7 મિનિટ ગાંધી આશ્રમમાં રોકાયા બાદ તેમણે પ્રદર્શન નિહાળ્યું હતું.