સ્ટીલ પ્રોડક્ટ્સનું મોટાપાયે મેન્યુફેક્ચરિંગ કરતી ઈલેક્ટ્રોથર્મના ડિરેક્ટર શૈલેષ ભંડારી સામે ખોટી રીતે 100-100 કરોડની લોન લેવાની ફરિયાદ નોંધાઈ છે. કંપનીના ચેરમેન અને આરોપીના સગા મોટાભાઈ મુકેશ ભંડારીની ખોટી સહી કરીને શૈલેષ ભંડારીએ 100-100 કરોડની બે લોન લઈ લીધી હતી. આ કેસમાં પોલીસે શૈલેષ ભંડારીની ધરપકડ કરી છે.
ફેબ્રુઆરી મહિનામાં જીએસટી વિભાગના દરોડમાં કંપનીમાંથી 33.71 લાખનો દારૂ ઝડપાયો હતો, જે મુદ્દે તેની સામે પ્રોહીબિશનના ત્રણ ગુના નોંધાયા હતા. જેના બે દિવસ પછી પોલીસે સર્ચ કરતાં શૈલેષ ભંડારીની ઓફિસમાંથી 8 જીવતા કારતુસ મળ્યા હતા, જે મુદ્દે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ત્યારે શૈલેષ ભંડારી સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે.
કંપની શરૂ થઈ ત્યારથી લઈને 2020 સુધી મુકેશ ભંડારી કંપનીમાં ચેરમેન હતા, જેઓ કંપનની ટેક્નિકલ અને પ્રોડક્ટને લગતુ કામ જોતા હતા. જ્યારે શૈલેષ ભંડારી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર પદે ફાઈનાન્સિયલ મેટર અને બેંકના તમામ વહેવારો સંભાળતો હતો. શૈલેષ ભંડારીએ તથા અન્ય લોકોએ કંપનીના નામે ઈન્ડિયન ઓવરસીસ બેંક પાસેથી બે લોન લીધી હતી. જેમાં 100 કરોડની શોર્ટટર્મ લોન 2010માં અને કેસ ક્રેડીટ ફેસીલીટીની 100 કરોડની લોન લીધી હતી. બંને લોન 6 મહિના માટે લેવામાં આવી હતી. લોનના દસ્તાવેજોમાં ચેરમેન તરીકે મુકેશભાઈ ભંડારીની સહીઓ કરાઈ હતી. ત્યારે તેમણે દાવો કર્યો છે કે આ સમયગાળા દરમિયાન તેઓ વિદેશમાં હતા. ત્યારે હાજરી ન હોવા છતાં તેમની સહી કરીને 100-100 કરોડની બે લોન લીધી હતી. લોનની મુડી, તેનુ વ્યાજ મળી કુલ 315 કરોડ ચુકવવાના હતા તે બેંકને ચુકવેલ નથી.
શૈલેષ ભંડારી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર હોવાથી કંપનીની મૂડી સાચવવા માટે બંધાયેલ હતા. આમ છતાં તેણે અન્ય શખ્સો સાથે મળી કંપનીમાંથી આ પૈસાની ઉચાપત કરીને પોતાના અંગત ઉપયોગ માટે કર્યો હોવાનો દાવો તેમના મોટાભાઈએ કર્યો છે. જેને પગલે તેઓએ શૈલેષ ભંડારી સામે કંપનીના હોદ્દેદારો, શેર હોલ્ડર્સ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ કરી છે.
ડીવાયએસપી વિક્રમસિંહ સોલંકીએ જણાવ્યું હતુ કે, 200 કરોડની ઉચાપતના કેસમાં તપાસ ચાલુ કરી દેવાઈ છે. જેમાં પુરાવા એકત્ર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આરોપી શૈલેષ ભંડારીના કોરોના રિપોર્ટ સહિતની પ્રક્રિયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.