ગુજરાત વિધાનસભાનું 31 દિવસિય બજેટ સત્ર આજે 1લી, માર્ચના સોમવારથી શરુ થશે. જે 1લી, એપ્રિલે પૂરું થશે. આ સત્ર દરમ્યાનમાં 10 દિવસ રજાની રજા રહેશે અને 20 દિવસ ગૃહનું કામકાજ થશે. સામાન્ય રીતે ગૃહની બેઠક’ પ્રથમ કે બીજા દિવસે સરકારનું બજેટ રજૂ થતું હોય છે પરંતુ આ વખતે બેઠકના પ્રથમ દિવસે જ રાજ્યના બે પૂર્વ મુખ્યપ્રધાનો અને 11 જેટલા પૂર્વ ધારાસભ્યોના નિધન બદલના શોક-પ્રસ્તાવો રજૂ થશે ત્યારબાદ ગૃહની બેઠક મુલતવી રહેશે. બેઠકના બીજા દિવસે પાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થવાના હોવાથી રજા રહેશે. જ્યારે 3જી, માર્ચે ગૃહની બે બેઠક મળશે. જેમાં પ્રથમ બેઠકમાં જ લગભગ સવારના 11 વાગ્યાની આસપાસ રાજ્ય સરકારનું વર્ષ 2021-22નું વાર્ષિક બજેટ રજૂ કરાશે. ચાલુ નાણાકીય વર્ષમાં સરકારનું બજેટનું કુલ કદ રૂ. 2.17 લાખ કરોડ જેટલું છે પરંતુ આ વર્ષમાં કોરોના-લોકડાઉનની અસરને કારણે સરકારની વેરાની આવકો ઘટી હોવાથી વર્ષ 2021-22નું કદ રૂ. 2.30 લાખ કરોડની આસપાસ રહે તેવી સંભાવના છે.
રાજ્ય વિધાનસભાના આ વખતના બજેટ સત્રમાં સરકારને તેની કામગીરી બદલ ઘેરી શકાય તેવા મોંઘવારી, કોરોના, લોકડાઉન, મંદી, બેકારી ઉપરાંતના સંખ્યાબંધ મુદ્દાઓ છે. જેને લઈ વિપક્ષ કોંગ્રેસ, વર્તમાન સરકાર પર પસ્તાળ પાડી શકે છે પરંતુ તાજેતરની મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં કોંગ્રેસના સંપૂર્ણ રકાશની સ્થિતિ જોતાં કોંગ્રેસના સભ્યોનું નૈતિક બળ તૂટયું છે અને તેનો ભરપૂર લાભ સત્તાધારી પક્ષ-ભાજપ ઉઠાવશે.
આ વખતના વિધાનસભાના સત્રની કામગીરી મુજબ, બેઠકના પ્રથમ દિવસે રાજ્યપાલ દ્વારા ગૃહને જે સંબોધન કરાશે, તેનો આભાર માનતી ચર્ચા 3 દિવસ સુધી ચાલશે ત્યારબાદ સરકારને હાલના ચાલુ બજેટ કરતાં જ્યાં વધુ ખર્ચ કર્યો હશે ત્યાં વધારાની રકમની માગણી કરતાં પૂરક બજેટ ઉપર 2 દિવસ સુધી ચર્ચા થશે. એવી જ રીતે નાણાપ્રધાન નીતિન પટેલ દ્વારા રાજ્ય સરકારનું જે વર્ષ 2021-22 માટેનું બજેટ રજૂ કરાશે. તેના ઉપર ગૃહમાં 4 દિવસ સુધી ચર્ચા કરાશે. 9 દિવસની આ ચર્ચાઓ બાદ રાજ્ય સરકારના 26 વિવિધ વિભાગોના બજેટ (માગણીઓ) પરની ચર્ચા આરંભાશે. જે 12 દિવસ સુધી ચાલશે. અંતે 31મી, માર્ચે રાજ્ય સરકારે રજૂ કરેલા બજેટ મુજબ તેને ખર્ચ કરવાની સત્તા આપતું વિનિયોગ વિધેયક રજૂ કરીને પસાર કરી દેવાશે. જ્યારે 1લી એપ્રિલના અંતિમ દિવસે સરકારી વિધેયકો અને છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ કરાશે. આ વખતના બજેટ સત્રમાં કુલ 4 દિવસ ડબલ બેઠકો યોજાશે. જેમાં સત્રના બીજા જ દિવસે રજા રહેવાની હોવાથી તે દિવસનું કામકાજ 3 માર્ચે બે બેઠક યોજીને પૂરું કરાશે. એવી જ રીતે 10 માર્ચ, 16 અને 23 માર્ચે બે બેઠક યોજાશે.
વિધાનસભાના આ બજેટ સત્ર દરમિયાન મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ જાહેર કર્યા મુજબ લવ જેહાદ ઉપરનું વિધેયક રજૂ કરાશે. જેમાં હિંદુ યુવતી સાથે મુસ્લિમ ઉપરાંત અન્ય કોઈપણ ધર્મના યુવક લગ્ન કરશે તો, તેના માટેની વ્યાખ્યા નક્કી કરાશે. જેની સામેની કાયદાકીય કાર્યવાહી માટેની પ્રક્રિયા, સક્ષમ સત્તા મંડળ રચાશે. જો, યુવક ગુનેગાર ઠરે તો, તેને સામે દંડનીય કે જેલની સજા સહિતની જોગવાઈઓ થશે. આ વિધેયક ઉપર ગૃહમાં ચર્ચા થશે અને અંતે તે બહુમતિથી પસાર કરાશે. આ ઉપરાંત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી (સુધારા) વિધેયક, ગુજરાત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી (સુધારા) વિધેયક, ગુજરાત રાજવીત્તિય જવાબદારી (સુધારા) વિધેયક, ગુજરાત અગ્નિનિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષયક (સુધારા) વિધેયક ઉપરાંત અન્ય 7 જેટલા વિધેયકો રજૂ કરાશે.