જાન્યુઆરી 2020થી શરૂ થયેલી કોરોના મહામારીના કારણે નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ બે ત્રિમાસિકમાં નેગેટિવ ઝોનમાં પટકાઈ ચૂકેલા ભારતીય અર્થતંત્રને થોડી કળ વળી છે. 2020-21ના ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રીજા ત્રિમાસિકમાં ભારતીય અર્થતંત્રમાં 0.4 ટકાના દરે વૃદ્ધિ નોંધાતાં પોઝિટિવ ઝોનમાં આવી ગયું છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા શુક્રવારે જારી કરાયેલા ડેટા અનુસાર ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતના જીડીપીનો વૃદ્ધિદર 0.4 ટકા રહ્યો હતો. વર્ષ 2020-21ના ત્રીજા ત્રિમાસિકમાં જીડીપી અંદાજિત 36.22 લાખ કરોડ રૂપિયા રહ્યો હતો. 2019-20ના આજ ત્રિમાસિકમાં જીડીપી વૃદ્ધિ દર 3.3 ટકા રહ્યો હતો એટલે કે જીડીપી રૂપિયા 36.08 લાખ કરોડ નોંધાયો હતો.
એનએસઓએ નેશનલ એકાઉન્ટ્સના તેના બીજા એડવાન્સ એસ્ટિમેટમાં વર્ષ 2020-21નો જીડીપી વૃદ્ધિદર માઇનસ 8.0 ટકા રહેવાનું અનુમાન કર્યું છે. અગાઉ જાન્યુઆરીમાં એનએસઓએ નાણાકીય વર્ષનો વૃદ્ધિદર માઇનસ 7.7 ટકા અંદાજ્યો હતો. વર્ષ 2020ના ત્રીજા ત્રિમાસિકમાં વૃદ્ધિ નોંધાવનારા વિશ્વના થોડા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે પરંતુ તાજેતરમાં દેશમાં જે રીતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે તે મોટી ચિંતાનો વિષય છે. કોરોના વાઇરસના કારણે વર્ષ 2020-21ના પ્રથમ બે ત્રિમાસિકમાં ભારતનો વૃદ્ધિદર નેગેટિવ ઝોનમાં ચાલ્યો ગયો હતો. જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ભારતીય અર્થતંત્ર ટેક્નિકલ મંદીમાં સપડાયું હતું.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા શુક્રવારે જારી કરાયેલા આંકડા અનુસાર ફર્ટિલાઇઝર, વીજળી અને સ્ટીલના ઉત્પાદનમાં વધારાના પગલે દેશના આઠ કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં જાન્યુઆરી 2021માં 0.1 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. જાન્યુઆરી 2020માં આ વૃદ્ધિદર 2.2 ટકા રહ્યો હતો. જોકે જાન્યુઆરી 2021માં કોલસા, ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ, રિફાઇનરી પ્રોડક્ટ અને સિમેન્ટ સેક્ટરમાં નેગેટિવ ગ્રોથ જોવા મળ્યો હતો. ફર્ટિલાઇઝરમાં 2.7 ટકા, સ્ટીલમાં 2.6 ટકા અને વીજળી સેક્ટરમાં 5.1 ટકાનો ગ્રોથ રેટ રહ્યો હતો.