મધ્યપ્રદેશના સીધીમાં આજે સવારે મોટો અકસ્માત થયો હતો. 54 મુસાફરોથી ભરેલી બસ બાણસાગર કેનાલમાં ખાબકી હતી. અત્યારસુધીમાં 42 મૃતદેહ મળ્યા છે. 6 લોકોનો બચાવ થયો હતો. ડ્રાઈવર પોતે તરીને બહાર નીકળી ગયો હતો. તેની અટકાયત કરવામાં આવી છે. અધિકારીઓએ મૃતકોની સંખ્યા 45થી વધુ હોવાની આશંકા વ્યક્ત કરી છે. બસ સીધીથી સતના તરફ જઇ રહી હતી. રામપુરના નૈકિન વિસ્તારમાં સવારે 7.30 વાગ્યે અકસ્માત થયો હતો.
રામપુરના નૈકીન વિસ્તારમાં બસ જે કેનાલમાં ખાબકી તે કેનાલ આશરે 20 થી 22 ફૂટ ઉંડી હોવાનું જાણવા મળ્યું છે. સૌથી કરુણ દાયક ઘટનાએ છે કે જે 42 લોકોના મૃત્યુ થયા તેમાંથી મૃતકોમાં 12 વિદ્યાર્થીઓ પણ હતા. આ બધા જ રેલવેની NTPC પરીક્ષા આપવા સતના જઈ રહ્યા હતા. 32 લોકોને બસમાં બેસાડી શકાય એમ હતા, પરંતુ એમાં 54 મુસાફરો ભરવામાં આવ્યા હતા. બસને સીધર રસ્તે છુહિયા ઘાટી થઈને જવાનું હતું, પરંતુ અહીં ટ્રાફિકજામ હોવાને કારણે ડ્રાઇવરે રસ્તો બદલી નાખ્યો હતો. તે નહેરના કાંઠેથી બસ લઈ જઇ રહ્યો હતો. આ રસ્તો એકદમ સાંકડો હતો. આ દરમિયાન ડ્રાઇવરે બસનું સંતુલન ગુમાવ્યું હતું.
સીધીમાં નહેરમાં પડેલી જબલનાથ ટ્રાવેલ્સની બસે જો કદાચ તેનો રૂટ ન બદલ્યો હોત તો લોકોના જીવ ન જાત. જે લોકોના જીવ બચી ગયા તે 7 લોકો પૈકી ત્રણ છોકરીઓ અને ચાર છોકરા છે. આ સાત લોકોમાંથી કેટલાકને રીવા અને કેટલાકને સતના મોકલવામાં આવ્યા છે.