ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. જેમાં રાજ્યની જામનગર મહાનગર પાલિકા સહીત 6 મહાનગર પાલિકા માટે ચૂંટણીની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં આ 6 મ્યુન્સિપલ કોર્પોરેશનોમાં 21મીં ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23મીં ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાવા જઈ રહી છે.
મનપા ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ જતાં રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા 6 મહાનગર પાલિકાઓમાં મેયર પદ માટે અનામતની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં પ્રથમ અઢી વર્ષના શાસનકાળ અને બાકી બચેલા અઢી વર્ષ માટે અલગ-અલગ અનામન રાખવામાં આવી છે.
જામનગર કોર્પોરેશનમાં મેયર તરીકે પ્રથમ અઢી વર્ષ મહિલા માટે અને બાકીના અઢી વર્ષ SC વર્ગના વ્યક્તિ માટે અનામત રહેશે.
રાજકોટમાં પ્રથમ અઢી વર્ષ OBC અને બીજા અન્ય વર્ષ મહિલા મેયર પદ સંભાળશે.
ભાવનગર મહાનગર પાલિકામાં પ્રથમ અઢી વર્ષ મહિલા અને બાકી બચેલા અઢી વર્ષ OBC વર્ગના વ્યક્તિ માટે રિઝર્વ રહેશે.
અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશનમાં પ્રથમ અઢી વર્ષ SC વ્યક્તિને મેયર પદ માટે રિઝર્વ રાખવામાં આવ્યું છે. જેમાં મહિલા કે પુરુષ કોઈ પણ હોઈ શકે છે. જ્યારે અન્ય અઢી વર્ષ મહિલા મેયર માટે અનામત રાખવામાં આવ્યા છે.
સુરત કોર્પોરેશનમાં પ્રથમ અઢી વર્ષ મહિલા અને બીજા અઢી વર્ષ સામાન્ય વર્ગના મેયર માટે અનામત રાખવામાં આવી છે.
વડોદરામાં અઢી વર્ષ સામાન્ય વર્ગના મેયર માટે અને બીજા અઢી વર્ષ મહિલા માટે અનામત રાખવામાં આવી છે.