કચ્છ જિલ્લાની મુંદ્રા પોલીસ દ્વારા સમાઘોઘાના ત્રણ ગઢવી યુવકોને કોઇપણ ગુના વિના ગેરકાયદેસર રીતે ગોંધી રાખીને તેમના પર સળંગ સાત દિવસ અમાનવીય સિતમ ગુજારવામાં આવ્યો હતો. સાત-સાત દિવસ તેમને ખાવા-પીવાનું પણ આપવામાં ન આવ્યું હતું અને ત્રણ પોલીસકર્મીઓ દ્વારા આ યુવકોને ઢોર માર મારવામાં આવ્યો હતો. ત્રણેય યુવકો પર થર્ડ ડિગ્રી ટોર્ચર કરવામાં આવ્યું હતું.
આ અસહ્ય, અકથ્ય અત્યાચારથી ગત તા. 19મીએ એક યુવક ગઢવી અરજણભાઇનું મૃત્યુ થઇ હતું. આ ઘટના પછી પોલીસના કાળા કરતૂત બહાર આવ્યા હતાં. ચારણ સમાજના અગ્રણીઓએ મુંદ્રા પોલીસ સ્ટેશનમાં આવી મોરચો સંભાળ્યો અને બાકીના બે બહુ જ ગંભીર ઇજા પામેલા યુવકોને છોડાવ્યા તેમજ તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં અમદાવાદ ખસેડવામાં આવ્યા હતાં. સારવાર દરમિયાન એક વધુ યુવક હરજોખ ગઢવી પણ મરણ પામેલ છે. પોલીસ દ્વારા કોઇના ઇશારે ચારણ યુવકોને આ અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો અને બે યુવકોની હત્યા કરવામાં આવી છે.
આ અનુસંધાને જામજોધપુર ખાતે અહીંના નાયબ મામલતદારને મૃતકોના ન્યાય અપાવવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જામજોધપુર ચારણ સમાજ અને જામજોધપુર સોનલ યુવક મંડળ દ્વારા આ આવેદનપત્ર આપતી વખતે આ વિસ્તારના ક્ષત્રિય સમાજ, રબારી સમાજ, પટેલ સમાજ, આહિર સમાજ અને દરેક જ્ઞાતિના અગ્રણીઓ પણ હાજર રહ્યાં હતાં.