આજે ત્રણ રાજયોને બાદ કરતાં સમગ્ર દેશમાં ખેડૂતો દ્વારા બપોરે 12 થી 3 વાગ્યા સુધી ચકકાજામનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે. દરમ્યાન આજે સવારથી દિલ્હીમાં મંડી હાઉસ તથા આઇટીઓ સહિતના દિલ્હી મેટ્રોના ત્રણ દરવાજાઓ બંધ છે. ગાજીપૂર બોર્ડર પર પુષ્કળ સંખ્યામાં બેરીકેડ લગાવવામાં આવ્યા છે. 40,000થી વધુ પોલીસ જવાનો અને સીઆરપીએફના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
દરમ્યાન ખેડૂત નેતા રાકેશ ટીકૈત દ્વારા એમ જણાવવામાં આવ્યું છે કે, પ્રધાનમંત્રી દ્વારા વાતચીતનું આમંત્રણ આપવામાં આવશે તો ખેડૂત નેતાઓ તેઓની સાથે વાતચીત કરવા તૈયાર છે. જોકે, કૃષિ કાયદાઓ પાછાં ખેંચવાના મુદ્દામાં ખેડૂતો કોઇ બાંધછોડ કરશે નહીં એમ જણાવવામાં આવ્યું છે. અત્રે એ નોંધનીય છે કે, આ અગાઉ પ્રધાનમંત્રીએ એમ કહ્યું હતું કે,તેઓ ખેડૂત નેતાઓથી માત્ર એક ફોનકોલ દૂર છે.
આમ હાલની સ્થિતિ એવી છે કે, પ્રથમ ફોન કોણ કરે ? ખેડૂત નેતાઓ કે પ્રધાનમંત્રી ?