દેશના પાટનગર દિલ્હી, ઉતરપ્રદેશ અને ઉતરાખંડને બાદ કરતા સમગ્ર દેશમાં આજે બપોરે 12 થી 3 વાગ્યા સુધી ખેડૂત આંદોલનના નેતાઓએ ચકકાજામનો કાર્યક્રમ જાહેર કર્યો છે. એ પૂર્વ શુક્રવારે સાંજે દિલ્હીથી જાહેરાત થઇ છે કે,ખેડૂત આંદોલનનો હલ શોધવા માટે સુપ્રિમકોર્ટ દ્વારા રચવામાં આવેલી પેનલ દેશના 10 રાજયોમાં સંબંધિતો સાથે કૃષિ કાયદાઓ મુદ્દે બેઠક કરશે.
દેશના ગુજરાત ઉપરાંત હરિયાણા, કાશ્મીર, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ત્રિપુરા અને ઉતરપ્રદેશમાં આ બેઠકો થશે. પેનલ સાથેની આ બેઠકમાં જુદાં જુદાં રાજયોના માર્કેટીંગ યાર્ડના સ્ટેટ બોર્ડના પ્રતિનિધિઓ, ખાનગી બજારોના આગેવાનો તથા ફુડ પાર્કના આયોજકો સહિતના તમામ સ્ટેક હોલ્ડર ભાગ લેશે. સુપ્રિમની આ પેનલમાં ત્રણ સભ્યો છે.
પેનલે બેઠકમાં ભાગ લેનાર તમામ સ્ટેક હોલ્ડરને વિનંતી કરી છે કે,કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદાઓ અંગે આપના વિચારો અને મંતવ્યો પેનલને આપો. આ ઉપરાંત કોઇ સુચન હોય તો તે પણ જણાવી શકાશે. આ ઉપરાંત આ પેનલ વિડીયો કોન્ફરન્સ મારફત વિવિધ નવ રાજયોના ખેડૂત સંગઢનો સાથે પણ વાતચીત કરશે. આ નવ રાજયોમાં બિહાર અને ઉતરપ્રદેશ સહિતના રાજયોનો સમાવેશ થાય છે.
અત્રે એ પણ નોંધનીય છે કે, શુક્રવારે સાંજે કેન્દ્રીય કૃષિમંત્રીએ એમ પણ કહ્યું છે કે, સરકાર નવા કૃષિ કાયદાઓ લાવી તે પહેલાં રાજયો સાથે તેમજ ખેડૂતો સાથે જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી.