Saturday, February 21, 2026
Homeઆજનો દિવસઆજે વિશ્વ માતૃભાષા દિવસ: I Love ગુજરાતી

આજે વિશ્વ માતૃભાષા દિવસ: I Love ગુજરાતી

અંગ્રેજી સારી છે, પણ ગુજરાતી મારી છે

માતૃભાષાએ આપણી ઓળખ છે, માં નો ખોળો છે. તમારા અંતર અને મનની વાતો કે વિચાર ભાવ, લાગણી મુળ વાતની સાથે માતૃભાષા રજૂ કરે છે. આજે તા.21 ફેબ્રુઆરી સમગ્ર વિશ્વમાં માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે વિશ્વ માતૃભાષા દિવસ નિમિતે કવિ નર્મદની પંકતી યાદ આવે છે ‘મને ફાંકડી અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે.’ આજે અંગ્રેજી ભાષાનું મહત્વ વધતુ જાય છે ત્યારે એવું ચોકકસ કહી શકીએ કે ‘અંગ્રેજી સારી છે પણ ગુજરાતી મારી છે.’

- Advertisement -

માતૃભાષા એટલે માતાની ભાષા બાળકને તેની માતા પાસેથી જે ભાષા વારસામાં મળે છે તે તેની માતૃભાષા છે. કોઇપણ વ્યકિતને તેની માતૃભાષા માં જેટલી વ્હાલી હોય છે કારણ કે જો કોઇ વ્યકિત પોતાના વતનથી દૂર હોય અને તેને જો કોઇ પોતાની જ માતૃભાષા બોલતુ વ્યકિત મળી જાય તો તે સ્નેહીજનથી ઓછુ નથી લાગતુ અને અજાણી ધરતી પર કોઇ પોતીકાનો અહેસાસ થાય છે માતૃભાષાની સરળ સમજણ એ છે કે તે બાળકને માતા તરફથી મળેલી ભાષા છે જે વારસામાં વિચારી શકાય, લાગણી પ્રદર્શીત કરી શકાય… માણસને અચાનક કઇ લાગે તો પ્રથમ શબ્દો માતૃભાષામાં જ નિકળે… ભાષાએ લોકો સાથે વાતચીત કરવા માટે સૌથી મહત્વપૂર્ણ માઘ્યમ છે. જે માટે દર વર્ષે 21મી ફેબ્રુઆરીના વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે ગુજરાતી ભાષા માત્ર ગુજરાત સુધી સીમીત નથી વિશ્વના અનેક દેશોમાં વસતા ગુજરાતીઓ પોતાની માતૃભાષા દ્વારા પોતાની ઓળખ જાળવી રાખે છે.

દર વર્ષે 21 ફેબ્રુઆરીના રોજ ઉજવાતો માતૃભાષા દિવસ આપણા માટે માત્ર એક દિવસ નથી પરંતુ પોતાની ભાષા સંસ્કૃતિ અને ઓળખ પ્રત્યેના ગૌરવનો ઉત્સવ છે. આજની તારીખે દુનિયામાં અને ભારતમાં અનેક ભાષાઓ બોલાય છે પરંતુ દરેકની પોતપોતાની માતૃભાષા હોય છે. અસંખ્ય ગુજરાતી શબ્દોનું સ્થાન અંગ્રેજી શબ્દોએ લીધુ છે. આજે મોટાભાગના ગુજરાતીઓના ઘરે ઘરે અંગ્રેજી ભેળસેળ વાળુ ગુજરાતી બોલાતુ થઇ ગયું છે. ગુજરાતી ભાષામાં ઇતિહાસ પ્રાચીન અને ગૌરવશીલ છે. નરસિંહ મહેતાથી લઇને ઉમાશંકર જોષી, ઝવેરચંદ મેઘાણી સહિતના અનેક મહાન સાહિત્યકારોએ આ ભાષાને સમૃઘ્ધ બનાવી છે. ગુજરાતમાં અલગ અલગ પ્રદેશો મુજબ અલગ અલગ પ્રકારે ગુજરાતી ભાષા બોલાય છે. ગુજરાતી ભાષાની સાચી સુંદરતા તેના તળપદા શબ્દોમાં વસે છે. આ શબ્દો માત્ર ભાષાનો ભાગ નહીં પરંતુ ગામડાની માટીની સુગંધ લોકજીવનની સાદગી અને સંવેદનાનો જીવંત અવાજ છે.

- Advertisement -

ગુજરાતમાં પ્રદેશ અનુસાર અનેક બોલીઓ બોલાય છે. અને કાઠીયાવાડી, સુરતી, કચ્છી, અમદાવાદી સહિતની ગુજરાતી બોલીઓમાં વપરાતા તળપદા શબ્દો ભાષાને વૈવિઘ્ય આપે છે તળપદા શબ્દો વ્યકિતના ભાવને સરળતાથી અને સીધા હદય સુધી પહોંચાડે છે. ગુજરાતી ભાષા ત્યારે જ સંપૂર્ણ બને જ્યારે તેમાં તેની મૂળ બોલચાલ, લોકભાવના અને તળપદા શબ્દો જીવંત રાખીએ. આપણે તપળદા શબ્દને અવગણ્યા વગર તેમને સાચવી રાખીએ અને આવનારી પેઢીને સોંપીએ.

આજના સમયમાં દેખાદેખીની દોડમાં શહેરીકક્ષાએ અંગ્રેજી ભાષાનું વળગણ વધુ થતું જાય છે. લોકો પોતે માંડ ધોરણ 12 પાસ અને તે પણ ગુજરાતી માધ્યમમાં હોય છતાં સ્ટેટસ ખાતર અને અમે કાઇંક છીએ તેવું દેખાડવા પોતાના બાળકને માત્ર અઢી વર્ષની કુમળી વયે અંગ્રેજી ભાષાની શાળામાં બેસાડી બાળક ઉપર અંગ્રેજી ઠોકી બેસાડે છે અને બાળક શાળામાં અંગ્રેજી ભાષામાં સરખું ભણી શકે તે માટે ઘરમાં પણ અંગ્રેજી ભાષાનો પ્રયોગ કરવા લાગે છે. ત્યારે માતૃભાષા એવી ગુજરાતી ભાષાને બચાવવાની જવાબદારી દરેક ગુજરાતી ઉપર છે. ઘરમાં બાળકો સાથે માતૃભાષામાં વાતચીત કરીએ. દાદા-દાદી પાસેથી સાંભળેલી ભાષાને જીવંત રાખીએ. લોકકથાઓ, ભજનો, ગરબા, લોકગીતો, દૈનિક સંવાદમાં માતૃભાષાને રાખી શકે છે. બાળક જન્મે છે ગુજરાતી પરિવારમાં. માતા-પિતા, દાદા-દાદી ગુજરાતી બોલી બોલે છે. પરંતુ અંગ્રેજી ભાષામાં અભ્યાસને કારણે આગળ જતાં બાળકને પોતાની માતૃભાષા જ બોલવામાં ફાંફાં પડે છે. આપણે સમજીએ કે, ભાષા અને વિકાસ વિરોધી નથી અને અન્ય ભાષાઓનો વિરોધ નથી. પરંતુ જો માતૃભાષાનો પાયો મજબૂત હોય તો, વ્યક્તિ અન્ય ભાષાઓ પણ સરળતાથી શિખી શકે છે. શાળાઓમાં પણ માતૃભાષાને ઓછી નજરે ન જોવી જોઇએ. જો આપણે બોલચાલમાં માતૃભાષા અને તળપદા શબ્દોને જીવંત નહીં રાખીએ તો આવનારી પેઢી માત્ર અર્થ નહીં ભાવ પણ ગૂમાવશે.

- Advertisement -

આજે આપણે જ ગુજરાતી ભાષા ઉપર અંગ્રેજી ભાષાનું અતિક્રમણ કરી રહ્યાં છીએ. એ જોતાં અહીં પણ ગુજરાતી ભાષાને ચાહું છું તેવું કાંઇ લખ્યું હોત તો કદાચ ઘણાંને આકર્ષિત ન થયું હોત. આથી જ અહીં મથાળું પણ ‘I Love ગુજરાતી’ એવું લખ્યું છે. આજે વિશ્વ માતૃભાષા દિવસે નિમિત્તે મને ગુજરાતી બોલવું ખૂબ ગમે છે. કારણ કે, બોલતાં જ ખૂબ મીઠી લાગે છે અને આપણી લાગણી પણ વર્ણવાઇ જાય છે. આપણી માતૃભાષાની મિઠાશ તો જૂઓ કે, આપણે ખારા નમકને પણ મીઠુ કહીએ છીએ…! જન્મ આપે એ માતા, અભિવ્યક્તિ આપે એ ભાષા, મનને વાચા આપે તે માતૃભાષા. ત્યારે આજે વિશ્વ માતૃભાષા દિવસે માતૃભાષાને પ્રોત્સાહન આપવા કટીબદ્ધ થઇએ.

માતૃભાષાનું ગર્વ જ અનોખું

માતૃભાષા

  • બાળક જન્મથી ઘરોમાં જે ભાષા સાંભળે અને શિખે એટલે કે વારસામાં મેળવેલી ભાષા એટલે માતૃભાષા.
  • માતૃભાષા કુદરતી રીતે શિખાય છે.
  • માતૃભાષામાં વ્યક્તિની લાગણી, સંસ્કૃતિની ઓળખ જોડાયેલી હોય છે.
  • માતૃભાષા લાગણીથી જોડાયેલી હોય છે. તેમાં કોઇપણ વિચારવાની જરૂર નથી પડતી. સહજ રીતે બોલી શકીએ.પરભાષા
  •  માતૃભાષા સિવાયની ભાષા એટલે પરભાષા કે જે આપણને બાદમાં શિખવાડવામાં આવે છે.
  •  પરભાષા શાળા શિક્ષક અથવા અભ્યાસ દ્વારા શિખવામાં આવે છે.
  •  પરભાષા ઉપયોગિતા માટે શિખાય છે.
  • પરભાષા વિચાર્યા વગર, સ્પષ્ટ શબ્દોની ગોઠવણી અથવા કાળ પ્રમાણે સમજયા વગર બોલી ન શકીએ.

માતૃભાષામાં જ ગુજરાતી વિદ્યાર્થીઓ નબળા…!

શિક્ષણમાં હવે અંગ્રેજી ભાષાનું મહત્ત્વ વધતું જાય છે. છેલ્લા કેટલાંક વર્ષથી અંગ્રેજી માઘ્યમમાં અભ્યાસનું ચલણ વધ્યું છે. અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીનો માતૃભાષા ગુજરાતીનો પાયો કાચો થતો જાય છે. વર્ષ 2025માં જાહેર થયેલ ધોરણ 10ના પરિણામમાં ગુજરાતી ભાષામાં કુલ 6,26,893 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાંથી 5,72,279 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા. આમ, 54 હજારથી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષાના પેપરમાં નાપાસ થયા હતાં.

ગુજરાતી ભાષાના કેટલાંક ગામઠી શબ્દો
આંગણું, ફાંકડા, ટાબરિયો, બાપુજી, રખડું, બબુચક, સગપણ, બાબો, બેબી, થપ્પો, ટેણિયો, ફળિયું, આળસું, નસીબ ફૂટયું, મોઢું ચઢાવવું, મન મળી જવું, પગપાળા, ઢીલાશ, કકળાટ, છાઇશ, વાઇટકો. આવા તો અનેક શબ્દો છે જે વિવિધ પ્રકારની ગુજરાતી ભાષામાં બોલાય છે.

ધારદાર ગુજરાતી કહેવતો:
  • એક હાથથી તાળી ના વાગે.
  • હોઠ સાજા તો, ઉત્તર ઝાઝા.
  • મન હોય તો, માળવે જવાય.
  • જાનમાં કોઇ જાણે નહીં ને, હું વરની ફૂઇ.
  • મામાનું ઘર કેટલે, દીવો બળે એટલે.
  • તારૂં મારૂં સહિયારૂ, મારું મારા બાપનું.
  • ન બોલવામાં નવ ગુણ.
  • બોલે તેના બોર વેચાય.
  • જેવો દેશ તેવો વેશ.
  • હાથ ધોઇને પાછળ પડવું.
  • અંધારામાં તીર મારવું.
  • બિલાડને ગળે ઘંટડી બાંધવી.
  • દુકાળમાં અધિક માસ.
  • વખાણેલી ખિચડી દાઢે વળગી.
  • ઝાઝી વાતે ગાડાં ભરાય.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular