જામનગર શહેરના ગોકુલનગર જકાતનાકા વિસ્તારમાં આવેલી પેટ પેલેસ નામની દુકાનમાં ગત રાત્રિના સમયે અકસ્માતે શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી. આ આગમાં પીંજરામાં રહેલા એક શ્ર્વાન અને ચાર પક્ષીઓના ગૂંગળાઇ જવાથી મોત નિપજયા હતા. જ્યારે અન્ય પશુ-પક્ષીઓને ફાયરની ટીમે આબાદ બચાવી લીધા હતા.
આગના બનાવની વિગત મુજબ જામનગર શહેરના ગોકુલનગર જકાતનાકા વિસ્તારમાં આવેલી હરેશભાઇ ગોસ્વામી નામના યુવાનની પેટ પેલેસ નામની દુકાન ગત રાત્રિના સમયે દુકાનદાર દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. ત્યારબાદ રાત્રિના 9.45 વાગ્યાના અરસામાં અકસ્માતે શોર્ટ સર્કિટ થવાથી દુકાનમાં આગ લાગી હતી. આ આગ લાગ્યાની જાણ જામનગર ફાયર વિભાગમાં કરવામાં આવતા સ્ટેશન ઓફિસર કામિલ મહેતા, રાકેશ ગોકાણી સહિતની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઇ હતી અને સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગ કાબૂમાં આવ્યા બાદ ફાયરની ટીમ દ્વારા નિરીક્ષણ કરી પક્ષીઓ અને પશુઓને પિંજરામાંથી તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ આ પહેલાં આગના ધૂમાડાના કારણે ગૂંગળાઇ જવાથી બજરીગર અને લવબર્ડ પ્રજાતિના ચાર પક્ષીઓના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા. જ્યારે એક ડોગનું મોત નિપજયું હતું.
View this post on Instagram
ફાયર વિભાગની ટીમ દ્વારા આગને કાબૂમાં લીધા બાદ પીંજરામાં રહેલા અન્ય સાત શ્વાનને બચાવી લઇ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ પશુ-પક્ષીઓને પશુચિકિત્સક દ્વારા તાત્કાલિતક સારવાર આપવામાં આવી હતી. ઉપરાંત પેટ પેલેસ નામની દુકાનમાં અંદર રહેલા અન્ય 12 પક્ષીઓને બચાવી લઇ સારવાર આપવામાં આવી હતી. પેટ પેલેસ નામની દુકાનમાં આગ લાગતા લોકો એકઠા થઇ ગયા હતા. દુકાનમાં ઇલેકટ્રીકના વાયરમાં શોર્ટસર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક તારણમાં બહાર આવ્યું હતું.


