ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે પોતાનો જન્મદિવસ અત્યંત સંવેદનશીલ અને પ્રેરણાદાયક રીતે ઉજવ્યો. પરંપરાગત ઉજવણીથી અલગ રહી તેમણે મુકબધિર બાળકો સાથે સમય વિતાવી તેમનાં ચહેરા પર ખુશીની ઝળહળાટ લાવી.
હર્ષ સંઘવીએ મુકબધિર બાળકો સાથે મળીને કેક કાપ્યો અને સ્નેહપૂર્વક બાળકોને કેક ખવડાવીને જન્મદિવસની ઉજવણી કરી. આ પ્રસંગે તેમણે બાળકો સાથે વાતચીત કરી, તેમની ક્ષમતાઓ અને પ્રતિભાને બિરદાવતા કહ્યું કે આવા બાળકો સમાજની શક્તિ છે અને તેમને સમાન તક અને સન્માન મળવું જરૂરી છે.
View this post on Instagram
જન્મદિવસની આ અનોખી ઉજવણી દરમિયાન હર્ષ સંઘવીએ સમાજમાં દિવ્યાંગ બાળકો પ્રત્યે સંવેદનશીલતા અને સહાનુભૂતિ વિકસે તેવો સંદેશ આપ્યો. તેમના આ માનવીય અભિગમથી હાજર લોકો ભાવવિભોર બન્યા હતા.
મુકબધિર બાળકોના ચહેરા પર આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો, જ્યારે હર્ષ સંઘવીએ કહ્યું કે આ બાળકો સાથે સમય વિતાવવો એ મારા જન્મદિવસની સૌથી મોટી ભેટ છે. આ રીતે નાયબ મુખ્યમંત્રીનો જન્મદિવસ માનવતા અને સેવાના સંદેશ સાથે ઉજવાયો.


