BNI જામનગર સંસ્થા દ્વારા દર વર્ષે વિશ્વની આઈકોનિક અને લેજેન્ડરી બિઝનેસમેન શખ્સિયતોને આમંત્રિત કરવાની પરંપરા નિભાવવામાં આવે છે. વિશ્વની પ્રતિષ્ઠિત નેટવર્કિંગ સંસ્થા તરીકે ઓળખાતી BNI દ્વારા આ વર્ષે ખાસ Zoho કંપનીના કો-ફાઉન્ડર અને જાણીતા ઉદ્યોગપતિ રાજેન્દ્રન દંડાપાણીને મુખ્ય વક્તા તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેઓ ચેન્નઈથી ખાસ જામનગર આવી આ કાર્યક્રમમાં જોડાયા હતા, જે જામનગર માટે ગર્વની ક્ષણ બની રહી
આ ભવ્ય કાર્યક્રમમાં જામનગર સહિત આસપાસના વિસ્તારોમાંથી અંદાજે 300 જેટલા બિઝનેસમેન, યુવા ઉદ્યોગસાહસિકો અને ભાવિ બિઝનેસ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત બિઝનેસ લીડરને સામે સાંભળવાની તક મળતાં હાજર સૌ કોઈમાં ઉત્સાહ, ગર્વ અને ખુશીની લાગણી સ્પષ્ટ જોવા મળી હતી
રાજેન્દ્રન દંડાપાણીએ પોતાના પ્રેરણાદાયી વક્તવ્યમાં ખાસ કરીને નાના શહેરો જેમ કે જામનગરમાંથી પણ વૈશ્વિક સ્તરનું બિઝનેસ ઉભું કરી શકાય છે તે બાબત ઉપર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મોટા બિઝનેસ માટે માત્ર મોટા શહેરો જ જરૂરી નથી, પરંતુ યોગ્ય વિચારસરણી, લાંબા ગાળાની દ્રષ્ટિ, સતત શીખવાની તૈયારી અને ટેકનોલોજીનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાથી નાના શહેરોમાંથી પણ મોટી તક ઊભી કરી શકાય છે
View this post on Instagram
વક્તવ્ય દરમિયાન તેમણે એક બિઝનેસમેન તરીકે કેવી રીતે વિચારવું, બિઝનેસ શરૂ કરતી વખતે કયા પગલાં ધ્યાનમાં રાખવા, જોખમ વ્યવસ્થાપન, ટીમ બિલ્ડિંગ, ગ્રાહક કેન્દ્રિત અભિગમ અને મૂલ્યો આધારિત વ્યવસાય કેવી રીતે વિકસાવવો તે અંગે વિસ્તૃત રીતે ઉદાહરણો સાથે સમજાવ્યું હતું. Zoho જેવી વૈશ્વિક કંપનીની સફરના અનુભવો શેર કરતા તેમણે પોતાના સંઘર્ષ, નિર્ણયો અને શીખેલા પાઠો પણ શ્રોતાઓ સાથે ખુલ્લા દિલે વહેંચ્યા હતા
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત શ્રોતાઓ દ્વારા બિઝનેસ, સ્ટાર્ટઅપ, ટેકનોલોજી, માર્કેટિંગ અને વૈશ્વિક વિસ્તરણને લગતા અનેક સવાલો પૂછવામાં આવ્યા હતા. રાજેન્દ્રન દંડાપાણીએ દરેક સવાલનો ઊંડાણપૂર્વક, સરળ ભાષામાં અને વ્યવહારુ ઉદાહરણો સાથે જવાબ આપીને શ્રોતાઓને સંતોષકારક માર્ગદર્શન આપ્યું હતું
BNI જામનગર દ્વારા આયોજિત આ કાર્યક્રમ માત્ર એક સંમેલન નહીં પરંતુ જામનગરના બિઝનેસ સમુદાય માટે પ્રેરણા, દિશા અને નવી ઊર્જા આપનાર સાબિત થયો હતો. નાના શહેરોમાંથી મોટા સપનાઓ સાકાર કરી શકાય છે એ સંદેશ સાથે કાર્યક્રમનું સફળ અને ગૌરવપૂર્ણ સમાપન થયું હતું


