Monday, January 5, 2026
Homeરાજ્યજામનગરખંભાળિયા નજીક અજાણ્યા વાહનની ઠોકરે ફુઆ-ભત્રીજાના કરૂણ મોત

ખંભાળિયા નજીક અજાણ્યા વાહનની ઠોકરે ફુઆ-ભત્રીજાના કરૂણ મોત

અન્ય એક યુવાન ઈજાગ્રસ્ત : પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાઇ

ખંભાળિયા – જામનગર માર્ગ પર ગુરુવારે મોડી રાત્રીના સમયે મોટરસાયકલ પર જઈ રહેલા પિતા-પુત્ર અને ભત્રીજા સાથેના એક અજાણ્યા વાહનના ચાલકે અકસ્માત સર્જતા આ જીવલેણ ટક્કરમાં ફુવા-અને તેમના નવયુવાન ભત્રીજાના મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે મૃતકના પુત્રને નાની-મોટી ઇજાઓ થવા પામી હતી.

- Advertisement -

આ કરુણ બનાવની વિગત એવી છે કે ખંભાળિયામાં નવાપરા વિસ્તારમાં રહેતા સુરેશભાઈ ભીમજીભાઈ પરમાર તેમના પુત્ર સચિનભાઈ તથા તેમના ભત્રીજા નિલેશભાઈ લાખાભાઈ પરમાર (ઉ.વ. 21) ને સાથે લઈને ગુરુવારે મોડી રાત્રીના સમયે તેમના જી.જે. 10 સી.જે. 0950 નંબરના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર બેસીને દાતા ગામેથી પ્રસંગ પૂર્ણ કરીને ખંભાળિયા પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે ખંભાળિયાથી આશરે 8 કિલોમીટર દૂર દાતા ગામની ગોલાઈ નજીક મામાદેવના મંદિર પાસે પહોંચતા આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા ફોર વ્હીલર વાહનના ચાલકે સુરેશભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે બાઇકમાં જઈ રહેલા પિતા-પુત્ર અને ભત્રીજો ફંગોળાઈ ગયા હતા.

આ જીવલેણ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા સુરેશભાઈ ભીમજીભાઈ પરમાર અને તેમના ભત્રીજા નિલેશભાઈ લાખાભાઈ પરમાર (ઉ.વ. 21) ને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. જ્યારે મૃતક સુરેશભાઈના પુત્ર સચિનભાઈને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આશાસ્પદ યુવાન સાથે તેમના ફુઆના થયેલા આ બંને મૃત્યુના બનાવથી મૃતકના પરિવારજનોમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

- Advertisement -

આ સમગ્ર ઘટના સંદર્ભે ખંભાળિયા પોલીસે મૃતક સુરેશભાઈના ભત્રીજા સુરેશભાઈ ભાણજીભાઈ પરમારની ફરિયાદ પરથી અજાણ્યા વાહન ચાલક સામે બી.એન.એસ. તેમજ એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. વી.આર. વસાવા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular