યાત્રાધામ દ્વારકામાં દર વર્ષે ડિસેમ્બરના અંતિમ સપ્તાહ દરમિયાન ભક્તોની ભારે ભીડ ઉમટતી હોય છે. નાતાલના વેકેશનને અનુલક્ષીને દેશભરમાંથી મોટી સંખ્યામાં દ્વારકાધીશના ભક્તો દ્વારકા પ્રવાસે આવતા હોવાથી યાત્રિકોની સુરક્ષા, સલામતી અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર દેવભૂમિ દ્વારકા પોલીસ વિભાગ દ્વારા આગોતરા આયોજન સાથે તેનો અમલ શરૂ કરવામાં આવ્યો છે.
એસપી, ડીવાયએસપી સહીતના પોલીસ અધિકારી દ્વારા દ્વારકા જગતમંદિરની આસપાસના વિસ્તારોની સ્થળ મુલાકાત લઈને નિરીક્ષણ કરી જરુરી સૂચનો આપવામા આવ્યા.
View this post on Instagram
આ સંદર્ભે દેવભૂમિ દ્વારકાના એસપી જયરાજસિંહ વાળા, ડીવાયએસપી સાગર રાઠોડ અને પીઆઈ આકાશ બારસિયા સહિતની પોલીસ ટીમ દ્વારા મંદિર પરિસર તથા આસપાસના વિસ્તારોમાં સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં સુદામા સેતુ, ગોમતી ઘાટ, મંદિર ચોક સહિતના મહત્વપૂર્ણ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થાપન અને ચેકિંગની કામગીરીને નજીકથી નિહાળી જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.
આગામી દિવસોમાં ભક્તોની સંખ્યામાં વધારો થવાની સંભાવનાને ધ્યાને રાખી પોલીસ દ્વારા સતત મોનિટરિંગ, પેટ્રોલિંગ અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. યાત્રિકોને કોઈ અડચણ ન પડે તેમજ શાંતિપૂર્ણ રીતે દર્શન વ્યવસ્થા સુચારૂ રીતે ચાલે તે માટે પોલીસ વિભાગ દ્વારા તમામ સ્તરે તૈયારી કરવામાં આવી છે.


