જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપળી ગામમાં વાડી વિસ્તારમાં ગઈકાલે ક્રિસમસની રાત્રે ધર્મ પરિવર્તન થતું હોવાની આશંકાને લઈને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો પહોંચ્યા હતા તેને લઈને ભારે નાશ ભાગ થઈ હતી ગઈકાલે ક્રિસમસની સાંજે આશરે એકસોથી વધુ લોકો એકત્ર થયા હતા અને કેક કટીંગ સહિતની ભોજન સમારંભની તૈયારીઓ ચાલી રહી હતી.
ઉપરોક્ત સ્થળે ક્રિશ્ચિયન મિશનરીની એમ.પી. પાસિંગની બે ફોર વ્હીલર સાથે આવેલા લોકોની શંકાસ્પદ ભૂમિકાને લઈને વિશ્વહિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા હતા. જે સમયે કેક કટીંગ કરી બાઇબલ સાથે ધાર્મિક કાર્યક્રમ અને જમણવાર ચાલતો હતો.
હિન્દુ સંગઠનો આવી પહોંચતા ઉપરોક્ત સ્થળે નાસભાગ થઈ ગઈ હતી અને મોટાભાગના લોકો બનાવના સ્થળેથી ભાગી છુટ્યા હતા કેટલાક ખેત મજૂરો અને પરપ્રાંતિય મજૂરોને ભોજન માટે તેમજ ધાર્મિક કાર્યક્રમમાં બોલાવાયા હતા, તેઓ સ્થળ ઉપર હાજર જોવા મળ્યા હતા તેઓની હિન્દુ સંગઠન દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન પોલીસ વિભાગને પણ જાણકારી થતાં એલસીબીની ટીમ એસઓજીની ટુકડી જામનગરથી દોડતી થઈ હતી, જ્યારે લાલપુરના ઇન્ચાર્જ એએસપી પ્રતિભા તથા મેઘપર પડાણા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા આ મામલામાં સ્થળ પર હાજર રહેલા 6 પરપ્રાંતિય શ્રમિકોના નિવેદનો નોંધ્યા છે, પરંતુ હાલમાં કોઈ ધર્માતરણની પ્રવૃત્તિ વિશે કોઈ દ્વારા જણાવાયું ન હતું પરંતુ પોલીસ દ્વારા આ મામલામાં પણ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવાઈ રહી છે.


