ગુજરાત રાજ્ય સરકારના દરેક વિભાગમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચી ગયો છે. સરકારી કર્મચારી અને અધિકારીઓ લાંચ લેતાં કોઇની પણ શેહશરમ રાખતા નથી. લાંચ લેતાં પકડાયેલા કર્મચારીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવતી હોવા છતાં અધિકારીઓ લાંચ લેતાં છોછ અનુભવતા નથી. બેખૌફ લાંચ લઇ રહ્યાં છે. તેમાં પણ ખાસ કરીને પ્રજાની સલામતી અને સુરક્ષાની સેવાને વરેલા એવા ફાયરવિભાગમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે. એક પછી એક ફાયર અધિકારીઓ લાંચ લેતાં ઝડપાતા જાય છે. તેમ છતાં લાંચ લેવાનું મૂકતાં નથી. સરકાર દ્વારા સારામાં સારો પગાર અને સુવિધા આપવામાં આવે છે. તેમ છતાં અધિકારીઓ બેખૌફ લાંચ લઇ રહ્યાં છે. થોડાં સમય અગાઉ સુરતના તક્ષશિલા ટ્યુશન કલાસમાં લાગેલી ભયાનક આગમાં અનેક માસુમ બાળકો સહિતના લોકોના મોત નિપજયા હતા. સુરતમાં ફાયર વિભાગની બેદરકારીને કારણે આટલી મોટી ગંભીર ઘટનામાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગૂમાવ્યા હતા.
દરમ્યાન સુરત મહાનગરપાલિકાના લીંબાયત ઝોન તથા ઉધના ઝોન A/Bના ડિવિઝનલ ફાયર ઓફિસર અને ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઈશ્વરભાઇ મગનભાઇ પટેલ (ઉ.વ.48) નામના ફાયર ઓફિસરના વિસ્તારમાં આવતી એક હોટલની ફાયર સેફ્ટી NOC મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. આ ફાયર એનઓસી આપવા માટે ઈશ્વર પટેલએ હોટલના માલિક પાસે રૂા. 1,00,000 લાંચની માંગણી કરી હતી. આ લાંચની રકમ જાગૃત નાગરિક આપવા માંગતા ન હોય જેથી તેણે સુરત ACBમાં ફરિયાદ કરી હતી. જેના આધારે મદદનિશ નિયામક આર.આર.ચૌધરીની સૂચના મુજબ નાયબ નિયામક બળદેવ દેસાઇના માર્ગદર્શન હેઠળ પીઆઇ બી. ડી. રાઠવા તથા સ્ટાફએ છટકું ગોઠવ્યું હતું. સુરતના ચોકબજારમાં આવેલા મુગલી સરાઇ ફાયર સ્ટેશનના પહેલાં માળે ઇન્ચાર્જ ડેપ્યુટી ફાયર ઓફિસમાં જ રૂા. 1,00,000ની લાંચ લેતાં ઈશ્વર મગન પટેલને ACBની ટીમે રંગેહાથ દબોચી લઇ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


