હાલ સૌરાષ્ટ્રભરના માર્કેટ યાર્ડોમાં મગફળીની સારો પ્રવાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા કેટલાય વર્ષોથી તમિલનાડુના વેપારીઓ દ્વારા સૌરાષ્ટ્રની મગફળીની વ્યાપક ખરીદી થતી હોવાથી યાર્ડમાં ચહલપહલ વધી છે. આ માંગના કારણે માત્ર જામનગર જ નહીં પરંતુ આસપાસના તેમજ અન્ય જિલ્લાઓના ખેડૂતોએ પણ જામનગર યાર્ડમાં મગફળી લાવવાનું પસંદ કર્યું છે.
છેલ્લા લગભગ 12 વર્ષથી તમિલનાડુના આશરે 100 જેટલા વેપારીઓ દર વર્ષે સૌરાષ્ટ્રમાં મગફળીની ખરીદી માટે આવે છે. ભાવનગર, ગોંડલ, કચ્છ, હાપા સહિતના વિસ્તારોમાંથી મગફળીની ખરીદી કરવામાં આવે છે. આ વેપારીઓ જામનગર માર્કેટિંગ યાર્ડમા અંદાજે 300થી 500 ટ્રક જેટલી મગફળી ભરીને તમિલનાડુ લઈ જાય છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ઉગતી 66 નંબર અને 9 નંબરની મગફળીની માંગ ખૂબ વધારે છે. તમિલનાડુમાં આ ખાસ પ્રકારની મગફળીનો ઉપયોગ મુખ્યત્વે બીયારણ તરીકે થતો હોવાથી સૌરાષ્ટ્રની મગફળીની માંગ સતત વધી રહી છે.
જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા કેટલાક દિવસોથી મગફળીની મબલખ આવક થઈ રહી છે. હાલ મગફળીના ભાવ પ્રતિ મણ રૂ.800થી લઈને રૂ.2200 સુધી જોવા મળી રહ્યા છે. તમિલનાડુના વેપારીઓની વધતી માંગને કારણે બજારમાં ચઢિયાતો ભાવ મળતા ખેડુતોને પણ લાભ થયો છે. પરિણામે જામનગર આસપાસના વિસ્તાર ઉપરાંત દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓના ખેડુતો મોટી સંખ્યામાં પોતાની મગફળી હાપા યાર્ડમાં વેચાણ માટે લઈ આવી રહ્યા છે.
દર વર્ષે જામનગર માર્કેટીંગ યાર્ડમાં લગભગ 40 જેટલા તમિલનાડુના વેપારીઓ મગફળીની ખરીદી માટે આવે છે. તેમાં ખાસ કરીને 66 અને 9 નંબરની મગફળીની વધુ માંગ રહેતી હોવાથી યાર્ડનો ટર્નઓવર નોંધપાત્ર રીતે વધ્યો છે. અન્ય રાજ્યના વેપારીઓની હાજરીથી જામનગર યાર્ડને સૌરાષ્ટ્રનું મહત્વપૂર્ણ મગફળી બજાર તરીકે વધુ ઓળખ મળી રહી છે


