એમ. પી. શાહ સરકારી મેડિકલ કોલેજ જામનગર ખાતે કાર્યરત 22 પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સિસ માટે નેશનલ મેડિકલ કમિશન તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સતત પ્રયત્નોને કારણે અત્યંત મહત્વની કુલ 28 બેઠકોનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે સંસ્થામાં શૈક્ષણિક સ્તરની સાથે સાથે આરોગ્ય સુવિધાઓમાં પણ મોટો વધારો થશે. ખાસ કરીને મેડિકલ કમિટીના નિર્ણય મુજબ MD-એનેસ્થેસિયોલોજીમાં 05 બેઠકો વધીને 22, MD-જનરલ મેડિસિનમાં 09 બેઠકો વધીને 30, MD-કોમ્યુનિટી મેડિસિનમાં 03 બેઠકો વધીને 15 અને MD-રેડિયો ડાયગ્નોસિસમાં 03 બેઠકો વધીને ૧૫ થઈ છે. આ ઉપરાંત સાયકિયાટ્રી વિભાગમાં 02 બેઠકો તેમજ માઈક્રોબાયોલોજી, ઓપ્થેલ્મોલોજી, ENT અને સ્કીન વિભાગમાં 1-1 બેઠકોનો વધારો કરવામાં આવ્યો છે.
સંસ્થાના ડીન ડોક્ટર નંદની દેસાઈએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સેન્ટ્રલ આઈસીસીયુ માટે બનાવવામાં આવેલી ગાઈડલાઈન મુજબ સંસ્થાને પૂરતું માનવબળ મળી રહે તે માટે આ વધારો આશીર્વાદરૂપ સાબિત થશે. GB વધુમાં, નેશનલ મેડિકલ કમિશનના ‘ડિસ્ટ્રિક્ટ રેસીડેન્ટ પ્રોગ્રામ’ હેઠળ આ ડોક્ટરોને તબક્કાવાર છેવાડાના વિસ્તારોમાં ત્રણ માસ માટે પોસ્ટિંગ આપવામાં આવે છે. હવે બેઠકો વધવાને કારણે જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા દર્દીઓને ઘર આંગણે જ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની શ્રેષ્ઠ સારવાર મળી રહેશે. આ મહત્વપૂર્ણ શૈક્ષણિક અને આરોગ્યલક્ષી સિદ્ધિ બદલ ડીન ડોક્ટર નંદની દેસાઈએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.


