ભારતની દીકરીઓ હાલમાં સમગ્ર દેશનું નામ રોશન કરી રહી છે. છેલ્લા 30 દિવસમાં, ભારતની દીકરીઓએ 3 વર્લ્ડ કપ જીત્યા છે. સૌપ્રથમ, ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવીને મહિલા વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો.આ ઐતિહાસિક ક્ષણના આપણે સહુ સાક્ષી છીએ. આ પછી, ભારતીય અંધ મહિલા ક્રિકેટ ટીમે બ્લાઇન્ડ મહિલા T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેઓએ ફાઇનલમાં નેપાળને 7 વિકેટથી હરાવ્યું અને કોલંબોમાં બ્લાઇન્ડ મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો જે ભારત માટે એક ગૌરવની ક્ષણ છે. પ્રથમ વખત બ્લાઇન્ડ મહિલા T20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું. આ પછી, ભારતીય મહિલા કબડ્ડી ટીમે પણ વર્લ્ડ કપ જીત્યો અને ભારતીય નારીઓએ હેટ્રિક કરી.ભારતીય નારીઓની વીરતાની ગાથા આપના ગૌરવવંતા ઇતિહાસમાં છે, ત્યારે આજની ભારતીય નારીઓ એ દેશને ગૌરવ આપવી ને ઇતિહાસના પાના પર નામ નોંધાવી લીધું છે.
મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025 ની ફાઇનલ ભારત અને ચાઇનીઝ તાઇપેઈ વચ્ચે બાંગ્લાદેશના ઢાકામાં રમાઈ હતી. ભારતે ટાઇટલ મેચમાં ચાઇનીઝ તાઇપેઈને 35-28 ના સ્કોરથી હરાવ્યું. નોંધનીય છે કે ભારતીય મહિલા ટીમે સતત બીજી વખત મહિલા વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ભારતે ગ્રુપ સ્ટેજની ચારેય મેચ જીતીને અને સેમિફાઇનલમાં ઈરાનને 33-21 થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેમનો પ્રતિસ્પર્ધી, ચાઇનીઝ તાઇપેઈ, પણ ટાઇટલ મેચમાં અપરાજિત રહ્યો હતો અને યજમાન બાંગ્લાદેશને 25-18 થી હરાવીને ફાઇનલમાં પહોંચ્યો હતો.
ફાઇનલ એક ખૂબ જ સ્પર્ધાત્મક મેચ હતી, જેમાં ચાઇનીઝ તાઇપેઈએ શરૂઆતના તબક્કામાં ભારતના સંરક્ષણને પડકાર ફેંક્યો હતો. જો કે, ભારતે ધીમે ધીમે શિસ્તબદ્ધ રીતે અને યોગ્ય સમયે કરવામાં આવેલા હુમલાઓ દ્વારા નિયંત્રણ મેળવ્યું, મેચની મહત્વપૂર્ણ ક્ષણોમાં સંયમ જાળવી રાખ્યો હતો.


