બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં એનડીએએ સપાટો બોલાવ્યા બાદ હવેનવી સરકારની રચના કરવાની પ્રક્રિયા ઝડપી બનાવાઈ છે. એનડીએની નવી સરકારનો શપથગ્રહણ સમારોહ 20 નવેમ્બરે પટણાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં યોજાશે. આ ભવ્ય સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપવાના છે. ઉલ્લેખનીય છે કે એનડીએએ 243 બેઠકોમાંથી 202 બેઠક જીતીને ઐતિહાસિક બહુમતી પ્રાપ્ત કરી હતી જેમાં ભાજપને 89, જેડીયુને 85, એલજેપીને 19 અને અન્ય પક્ષોને 9 બેઠકો મળી હતી.
જેડીયુના વડા અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે સવારે 11:30 વાગ્યે અંતિમ કેબિનેટ બેઠક બોલાવી છે. આ બેઠકમાં વર્તમાન વિધાનસભા ભંગ કરવાનો ઠરાવ પસાર કરવામાં આવશે. બેઠક બાદ, મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજભવન જઈને રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને રાજીનામું સુપરત કરશે. આ ઔપચારિકતા નવી સરકાર બનાવવા તરફનું પ્રથમ પગલું હશે. વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 22 નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે, તેથી તમામ ઔપચારિકતાઓ સમય પહેલા પૂર્ણ કરવામાં આવી રહી છે.
નીતીશના રાજીનામા પછી, જેડીયુ વિધાનસભા પક્ષની બેઠક થશે, જ્યાં નીતિશ કુમારને પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવશે તેવી અપેક્ષા છે. આ પછી ભાજપ વિધાનસભા પક્ષની બેઠક થશે અને અંતે, એનડીએ વિધાનસભા પક્ષની સંયુક્ત બેઠક થશે, જ્યાં નીતિશ કુમારને ગઠબંધન નેતા જાહેર કરવામાં આવશે. આ પછી, એનડીએ પ્રતિનિધિમંડળ સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા માટે રાજ્યપાલ પાસે જશે. જોકે, નીતિશ કુમાર 20 નવેમ્બરે શપથ લેશે કે એનડીએ સરકારના ભાગ રૂપે અન્ય કોઈ નેતા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.
રાજયમાં એનડીએમાં ભાજપ-જનતાદળ (યુ) અને લોકજનશક્તિ પાર્ટી સહિતના પાંચ પક્ષોએ સંયુક્ત વિજય મેળવ્યો હોવાથી હવે નવા મંત્રીમંડળમાં સ્થાન અંગે પણ ખેંચતાણ શરૂ થઈ છે અને ગઈકાલે પટણા તથા દિલ્હી રાજકીય ગતિવિધિથી ધમધમતુ રહ્યું હતું. નીતીશના નવા મંત્રીમંડળમાં અગાઉની જેમ બે નાયબ મુખ્યમંત્રી હશે. એક તે પ્રશ્ન પર હવે ચર્ચા શરૂ થઈ છે. મંત્રીમંડળની ફોર્મ્યુલા મુજબ પ્રથમથી જ જમ્બો કેબીનેટ હશે. જયા 6 ધારાસભ્યોએ 1 મંત્રીપદની ફોર્મ્યુલા મુજબ ભાજપને 16 જનતાદળ (યુ)ને 15 મંત્રીપદ મળી શકે છે. ચુંટણીમાં 29 બેઠકો લડીને 19 જીતનાર ચીરાગ પાસવાનના લોકજનતાંત્રીક પાર્ટીને 3 મંત્રીપદ તથા પુર્વ સીએમ જીતન માંજી અને ઉપેન્દ્ર કુશવાહાના પક્ષને 1-1 મંત્રીપદ મળી શકે છે.
આ સાચો પેચ નાયબ મુખ્યમંત્રીમાં ફસાયો છે. આ સ્થાન માટે વર્તમાન કેબીનેટના નાયબ મુખ્યમંત્રીઓ સમ્રાટ ચૌધરી એક ફરી આ પદ પર આવવા ફેવરીટ છે તો બીજા નાયબ મુખ્યમંત્રીપદ નિશ્ચિત થાય તો ભાજપમાં તેમાં સ્પર્ધા છે અને જે રીતે મહિલાઓએ એનડીએના વિજયમાં ભૂમિકા ભજવી છે. તેની નાયબ સી.એમ. મહિલા હોય તો વર્તમાન ડેપ્યુટી સીએમ વિજયકુમાર સિંહા કપાશે. ગઈકાલે જ કેન્દ્રીયમંત્રી નિત્યાનંદ રાય, વિજયકુમારસિંહા તથા આરએસએસના ઉપેન્દ્ર કુશવાહા મુખ્યમંત્રી નીતીશકુમારને મળવા દોડી ગયા હતા તો ચિરાગ પાસવાન પણ તેમના ધારાસભ્યોને વધુ મહત્વના પદ મળે તે નિશ્ચિત કરી રહ્યા છે.
પટણાનાં ગાંધી મેદાનમાં યોજાનારી શપથવિધિ માટે ગાંધી મેદાન તા.20 સુધી જાહેર જનતાને માટે બંધ કરી દેવાયું છે તથા શપથવિધિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ટોચના મહાનુભાવો ભાજપ-સાથીપક્ષોના શાસનના મુખ્યમંત્રીઓ સહિતના એનડીએ નેતૃત્વ હાજર રહે તેવા સંકેત છે.


