જામનગર શહેરમાં પીજીવીસીએલ દ્વારા કરવામાં આવેલા કેટલાક વિકાસના કાર્યો હવે વિસ્તારના નાગરિકો માટે માથાના દુખાવાનું કારણ બની રહ્યા છે. શહેરના વોર્ડ નંબર 10માં આવેલા નાગનાથ ગેટ વિસ્તારમાં આશરે બે સપ્તાહ પહેલા પીજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. પરંતુ ખોદકામ દરમિયાન મહાનગરપાલિકાની પાણીની લાઈન નુકસાન થવાને કારણે પાણી લીકેજ થવાની ઘટના બની હતી.
આ લીકેજના કારણે રસ્તા પર પાણી ભરાઈ જતા સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. નાગરિકોએ આ બાબતે પીજીવીસીએલ તથા મહાનગરપાલિકા – બંને વિભાગોમાં ફરિયાદ કરી હતી. પરંતુ બંને વિભાગો વચ્ચે જવાબદારી ટાળવાની હોડ ચાલી રહી છે. મહાનગરપાલિકા તરફથી જણાવવામાં આવ્યું કે ખોદકામ પીજીવીસીએલ દ્વારા કરાયું હોવાથી રીપેરીંગનું કામ તેમનું છે, જ્યારે પીજીવીસીએલ તરફથી દાવો કરવામાં આવ્યો કે પાણીની લાઈન મહાનગરપાલિકાની હોવાથી તે કામ પાલિકા કરશે. પરિણામે છેલ્લા 20 દિવસથી સ્થિતિ એવી છે કે વિસ્તારના લોકોને પીવાનું પાણી મળી રહ્યું નથી, અને રસ્તા પર પાણી ભરાતા કાદવ તથા ખાબોચિયાં સર્જાયા છે. આશરે 20 જેટલી દુકાનો અને 40 જેટલા રહેણાંક મકાનો ધરાવતા આ વિસ્તારમાં વાહન વ્યવહાર મુશ્કેલ બન્યો છે. ખોદકામ કરેલા માર્ગો તોડી પડાયા છે અને વરસાદી કાદવને કારણે રોજિંદી અવરજવર પણ જોખમભરી બની ગઈ છે.
View this post on Instagram
સ્થાનિક લોકોએ વોર્ડ નંબર 10ના કોર્પોરેટરને પણ રજૂઆત કરી છે, પરંતુ અત્યાર સુધી માત્ર આશ્વાસન મળ્યું છે, પરંતુ ઉકેલ મળ્યો નથી. નાગરિકોમાં તંત્રની આવી બેદરકારી સામે અસંતોષ જોવા મળી રહ્યો છે. નાગનાથ ગેટ વિસ્તારના લોકો હવે તાત્કાલિક રીપેરીંગ કામ શરૂ કરી સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.


