રાજકોટના વિજયનગરમાં રહેતો યુવક તથા તેનો પિતરાઇ સાથે જામનગર કબૂતર બાંધવાની જાળીનું કામ કરવા માટે આવતા હતા. ત્યારે ધ્રોલ પાસે હીરાના કારખાના નજીક પહોંચ્યા ત્યારે પુરપાટ અને બેફિકરાઇથી આવી રહેલા છકડા રિક્ષાએ વળાંક લેતાં છકડા પાછળ દોરડા સાથે બાંધેલી રિક્ષા વચ્ચે બાઇક આવી જતાં યુવકનું મોત નિપજયું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ રાજકોટના વિજયનગર વિસ્તારમાં રહેતો ધવલભાઇ અજિતભાઇ ચાવડા (ઉ.વ.19) નામનો યુવક તેના પિતરાઇ ઉદય સાથે તેના જીજે03-બીએ-9132 નંબરના બાઇક પર શુક્રવારે બપોરના સમયે રાજકોટથી જામનગર કબૂતર બાંધવાની જાળીનું કામ કરવા માટ આવતા હતા. દરમ્યાન રાજકોટ-જામનગર ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક હીરાના કારખાના પાસેના રોડ પરથી પસાર થતા હતા ત્યારે પેટ્રોલપંપ સામે પહોંચ્યા ત્યારે સામેથી બેફિકરાઇપૂર્વક આવી રહેલા જીજે10-ટીઝેડ-3660 નંબરના છકડા રિક્ષાએ અચાનક જ વળાંક વાળી લેતાં છકડા પાછળ દોરડાથી બાંધેલી રિક્ષાએ પણ વળાંક લેતાં બન્ને રિક્ષાને બાંધેલા દરોડામાં યુવકનું બાઇક વચ્ચે આવી જતાં બન્ને યુવકો બાઇક પરથી પટાકાયા હતા.
આ અકસ્માતમાં બાઇકમાં પાછળ બેસેલા ઉદયભાઇને શરીરે તેમજ માથામાં ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. જ્યારે ધવલભાઇને સામાન્ય ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે ધવલભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. આર. એ. કુબાવત તથા સ્ટાફએ સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલીને છકડા ચાલક વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


