જામનગર જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ કાલાવડ શહેર અને તાલુકામાં વરસાદી માહોલ સર્જાયો છે. કાલાવડ સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા લોકોમાં ખુશી છવાઈ ગઈ છે.
તાલુકાના જસાપર, નિકાવા, રાજસ્થલી, શીશાંગ, આણંદપર, નાના વડાલા, મોટાવડાળા, બેડિયા સહિતના વિસ્તારોમાં વરસાદની જોરદાર એન્ટ્રી નોંધાઈ છે.
View this post on Instagram
મેઘરાજાની આ બેટિંગ એટલી ભારે રહી કે માત્ર બપોરે 12 થી 2 વાગ્યા વચ્ચે 125 મિમી એટલે કે 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. સતત વરસતા વરસાદથી ગ્રામ્ય વિસ્તારના ખેતરો તાજગીથી ઝળહળી ઉઠ્યા છે.
ખેડૂતોમાં ખાસ્સો આનંદ છવાયો છે કારણ કે ખેતરોમાં પાક માટે આવશ્યક ભેજ પ્રાપ્ત થયો છે. વાવણી માટે રાહ જોઈ રહેલા ખેડૂતો મેઘરાજાની આ કૃપા થી તૃપ્ત જોવા મળી રહ્યા છે.
વરસાદી પાણીના કારણે કાલાવડ શહેરની બજારોમાં પણ પાણી ફરી વળતાં દૈનિક જનજીવન પર અસર થઈ હતી. તેમ છતાં, લોકોમાં ખુશીની લાગણી જોવા મળી કારણ કે લાંબા સમયથી તાપમાન અને ગરમીથી પરેશાન રહેલા લોકોને ઠંડકનો અહેસાસ થયો.
હાલ સુધીમાં કાલાવડમાં અંદાજે 2 ઇંચ જેટલો સરેરાશ વરસાદ પડી ચૂક્યો છે. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં નગરજનોને ગરમીમાંથી રાહત મળી છે.


