જામજોધપુરના તરસાઇ ગામેથી પોલીસે એક શખ્સને 60 નંગ વિદેશી દારૂના ચપલા સાથે ઝડપી લીધો હતો. ખંભાળિયા જામનગર હાઇવે રોડ ગોરધનપર નજીકથી પોલીસે બે શખ્સોને મોટરસાઇકલમાં ચાર નંગ દારૂની બોટલો સાથે ઝડપી લીધા હતાં. જામનગરમાં કેવી રોડ પર બીએસએનએલની ઓફીસ પાસેથી એક શખ્સ ચાર નંગ દારૂની બોટલ સાથે ઝડપાયો હતો.
દારૂના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામજોધપુર તાલુકાના તરસાઇ ગામની સામા કાંઠા વાડી વિસ્તારમાં એક શખ્સ પોતાના કબ્જાની વાડીમાં દારૂની બોટલનો જથ્થો રાખ્યો હોવાની બાતમીના આધારે જામજોધપુર પોલીસે રેઇડ દરમિયાન કમલેશ આલા કોડીયાતર નામના શખ્સને રૂા.12000ની કિંમતની 60 નંગ વિદેશી દારૂના ચપલા સાથે ઝડપી લીધો હતો. તેમજ સપ્લાયર તરીકે જુનાગઢના સંજય આલા કોડીયાતરનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી હતી.
બીજો દરોડો ખંભાળિયા જામનગર હાઇવે ગોરધનપર નજીકથી પોલીસે રેઇડ દરમિયાન જીજે36-કયુ-7750 નંબરના એકસેસ મોટરસાઇકલમાંથી રૂા.5200ની કિંમતની ચાર નંગ દારૂની બોટલો સાથે પ્રવિણ દેવાણંદ લુણા તથા સાજણ રાણા સાખરા નામના બે શખ્સોને ઝડપી લઇ રૂા.5200ની કિંમતનો ચાર નંગ દારૂની બોટલ, રૂા.20 હજારની કિંમતનું એકસેસ મોટરસાઇકલ તથા રૂા.10 હજારની કિંમતના બે મોબાઇલ ફોન સહિત કુલ રૂા.35200નો મુદામાલ કબ્જે કર્યો હતો.
ત્રીજો દરોડો જામનગર શહેરમાં કે.વી. રોડ બીએસએનએલની ઓફીસ નજીકની સીટી બી પોલીસે રેઇડ દરમિયાન રૂદ્ર ઉર્ફે કાનો રાજુ પરમાર નામના શખ્સને રૂા.2 હજારની કિંમતની ચાર નંગ દારૂની બોટલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


