શ્રાવણ માસના પવિત્ર તહેવારોને ધ્યાનમાં રાખીને એસટી વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા અને પ્રવાસ સુગમ બને તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને જન્માષ્ટમી પર્વ દરમ્યાન યાત્રાધામ દ્વારકામાં મોટી સંખ્યામાં ભાવિકો આવતા હોવાથી 14 થી 19 ઓગસ્ટ દરમિયાન દ્વારકા માટે વધારાની બસ સેવા શરૂ કરવામાં આવશે.
આ આયોજન હેઠળ કુલ 16 વધારાની બસો રોજ દોડશે, જ્યારે વધતી મુસાફરીની જરૂરિયાતને પહોંચી વળવા માટે 4 બસોને રિઝર્વમાં રાખવામાં આવી છે. આ તમામ બસોના સંચાલન માટે પૂરતો માનવબળ પણ ફાળવવામાં આવ્યો છે, જેમાં 25 ડ્રાઈવર, 25 કંડક્ટર, 4 સુપરવાઈઝર અને 5 મેકેનિક મળી કુલ 59 જેટલા કર્મચારીઓને ફરજ પર મુકવામાં આવ્યા છે.
એસટી વિભાગ દ્વારા દ્વારકા, બેટ-દ્વારકા, જુનાગઢ, જામનગર, હર્ષદ સહિતના મહત્વપૂર્ણ સ્થળો વચ્ચે બસોની ફાળવણી કરવામાં આવી છે. ઉપરાંત, જો યાત્રાળુઓની સંખ્યા વધુ વધે તો તાત્કાલિક 51 જેટલી વધારાની બસો મુકવાની તૈયારી પણ રાખવામાં આવી છે.
ગત વર્ષે જન્માષ્ટમી પર્વ દરમિયાન એસટી વિભાગને આશરે છ લાખથી વધુ આવક થઈ હતી. આ વર્ષે સુદર્શન બ્રિજથી બેટ દ્વારકા સુધીનો પ્રવાસ સરળ બન્યો છે, તેમજ શિવરાજપુર જેવા પર્યટન સ્થળોની લોકપ્રિયતા વધી રહી હોવાથી દ્વારકામાં યાત્રાળુઓની સંખ્યા વધુ વધવાની સંભાવના છે. આ અનુમાનને ધ્યાનમાં રાખીને જ આ વિશેષ બસ સેવા શરૂ કરવામાં આવી છે જેથી યાત્રાળુઓને આરામદાયક અને સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત થઈ શકે.


