જામનગરમાં તળાવની પાળથી પ્રદર્શન મેદાન અને દિગ્વીજય પ્લોટ વાળા બે નવા રોડ આજથી ખુલ્લા મુકાયા હતાં. આ રોડ ખુલ્લા મુકાતા ટ્રાફીક સમસ્યામાં શહેરીજનોને રાહત મળશે.
જામનગરમાં હાલમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે એસ.ટી. બસ સ્ટેન્ડ કાર્યરત છે. અને હવે અહિં શ્રાવણી લોક મેળો પણ શરૂ થનાર છે ત્યારે ટ્રાફીક સમસ્યા સર્જાવા ને ઘ્યાને લઇ જામનગર મહાનગરપાલિકા દ્વારા બે નવા રોડ તૈયાર કરાયા હતાં. લગભગ 20 વર્ષથી મંજુર થયેલો રસ્તો મ્યુ.કમિશનર ડી.એન. મોદી દ્વારા પ્રોજેકટ હાથ ઉપર લઇ સાત રસ્તા સુધી પહોંચી શકાય તેવો રસ્તો ઝડપથી બનાવવા નિર્ધાર કર્યો હતો. જે રસ્તો આજે ખુલ્લો મુકાયો છે. જામનગર શહેરમાં તળાવની પાળ ગેઇટ નં.1થી જુની આર.ટી.ઓ. કચેરી સુધી લગભગ 1 કિલો મીટરની લંબાઇ વાળો રસ્તો અને જુની આર.ટી.ઓ. ઓફીસથી જંગલેશ્ર્વર મહાદેવ મંદિર સુધીનો રોડ પણ આજે ખુલ્લો મુકાયો છે.
આ રોડ ઉપર સ્ટ્રીટ લાઇટો અને રોડ ડીવાઇડરો પણ મુકાઇ ચૂકયા છે. તળાવની પાળ ગઇટ નં.1થી જુના આશાપુરા મેદાન તરફ જવાના માર્ગ પર વરસાદ દરમિયાન પાણી ભરાવવાની સમસ્યા પણ સર્જાતી હોય જેને ઘ્યાને લઇ આ સમસ્યા પણ ન નળે તે પ્રકારે રોડ બનાવાયો છે. આ બન્ને રોડ શરૂ થઇ જતાં શહેરીજનોને ટ્રાફીકની સમસ્યામાંથી રાહત મળવાની આશા છે.


