જામનગર શહેરમાં આવેલી ડી.કે.વી. કોલેજના કમ્પાઉન્ડમાં એસાઇન્મેન્ટ લખતાં વિદ્યાર્થીને ચાર શખ્સોએ આવીને ઉભો થવાનું કહેતાં વિદ્યાર્થીએ ઉભા થવાની ના પાડતાં ચાર શખ્સોએ ગાળાગાળી કરી, ઢીકાપાટુનો માર માર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ જામનગરના રામેશ્વરનગરની પટેલવાડી વિસ્તારમાં રહેતા હાર્દિક માણસીભાઇ મુન (ઉ.વ.19) નામનો યુવાન મંગળવારે સાંજના સમયે ડી.કે.વી. કોલેજના કમ્પાઉન્ડમાં બેસીને એસાઇન્મેન્ટ લખતો હતો. ત્યારે રોનક ખફીએ આવીને હાર્દિકને ઉભો થવાનું કહેતાં હાર્દિકએ, ‘હું શાંતિથી અસાઇન્મેન્ટનું કામ કરું છું. ઉભો નહીં થાવ.’ તેમ કહેતાં રોનક ખફીએ હાર્દિક સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો. ત્યારબાદ કોલેજના પાર્કિંગમાં બાઇક લેવા ગયેલા હાર્દિક ઉપર રોનક ખફી અને ત્રણ અજાણ્યા શખ્સએ આવીને જેમ ફાવે તેમ ગાળાગાળી કરી, ઢીકાપાટુનો માર મારી, પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવમાં હાર્દિકની ફરિયાદના આધારે પીએસઆઇ જે. પી. સોઢા તથા સ્ટાફએ ફરિયાદ નોંધી ઉપરોકત ચારેય શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


