કાલાવડ ગામમાં સરકારી હોસ્પિટલ પાસે પ્રેમલગ્ન કરેલી યુવતી તેણીના પતિ સાથે પાણીપૂરીની રેંકડીએ ઉભી હતી. તે દરમ્યાન યુવતીના માતા-પિતાએ બાઇક પર આવી પુત્રી અને જમાઇને જેમ ફાવે તેમ ગાળો કાઢી, ફડાકા ઝિંકી, મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ કાલાવડ ગામમાં રણુજા રોડ પર રહેતી અને અભ્યાસ કરતી વૈશાલીબેન ધર્મેન્દ્ર ચૌહાણ (ઉ.વ.19) નામની અભ્યાસ કરતી યુવતીએ સાગર મુકેશ મકવાણા નામના યુવાન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. ગઇકાલે મંગળવારે સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં વૈશાલીબેન તેણીના પતિ સાગર સાથે સરકારી હોસ્પિટલના પુલ પાસે આવેલી પાણીપુરીની રેંકડીએ ઉભા હતા. દરમ્યાન યુવતીના માતા-પિતા વિદ્યાબેન અને ધર્મેન્દ્ર તુલસીભાઇ ચૌહાણ નામના દંપતિએ આવીને ઘરેથી ભાગીને પ્રેમલગ્ન કર્યાનો ખાર રાખી, તેની પુત્રી અને જમાઇને જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી. પિતાએ પુત્રીના વાળ પકડી ફડાકા ઝિંકી દીધા હતા. માતાએ ઢીકાપાટુનો માર મારી ઇજાઓ પહોંચાડી હતી.
દરમ્યાન પત્નીને છોડાવવા વચ્ચે પડેલા પતિ સાગરને પણ તેના સાસુ-સસરાએ ફડાકા ઝિંકી ગાળો કાઢી હતી અને જતાં જતાં, “હવે બીજીવાર કયાંય ભેગા થશો તો, મારી નાખીશું.” તેવી ધમકી આપી હતી. આ બનાવ અંગેની યુવતી વૈશાલીબેન દ્વારા કાલાવડ પોલીસ મથકમાં તેણીના જ માતા-પિતા વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવાતા એએસઆઇ વી. ડી. ઝાપડિયા તથા સ્ટાફે દંપતિ વિરૂઘ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.


