HAPPY BIRTHDAY JAMNAGAR
View this post on Instagram
શ્રાવણ સુદ સાતમ એટલે કે જામનગરનો સ્થાપના દિવસ આજે સમગ્ર જામનગરવાસીઓ માટે ગૌરવનો દિવસ છે. આજે જામનગરનો 486મો સ્થાપના દિવસ છે. એક સમયનું નવાનગર સૌરાષ્ટ્રનું પેરીસ આજે છોટી કાશી તરીકે સુપ્રસિઘ્ધ છે. જામનગરએ આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક ક્રિકેટરો આપ્યા છે. જામનગરના બાલા હનુમાન મંદિરે ચાલતી અખંડ રામધૂન ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી ચૂકી છે જામનગરનો બ્રાસ ઉદ્યોગ પણ અનોખુ ગૌરવ છે જામનગરવાસીઓની સાથે સાથે જામનગરની બાંધણી, કચોરી સહિત અનેક વિશિષ્ટતાઓને યાદ કરીએ તેટલુ ઓછુ જ છે…
જામનગરની સ્થાપના વિક્રમ સંવત 1596ના શ્રાવણ સુદ સાતમના જામ રાવલ દ્વારા કરવામાં આવી હતી જામ રાવળ જેમ જેમ પ્રદેશો જીતતા જતાં તેમ તેમ તેમનું રાજ્ય વિસ્તરતુ ગયું હતું જામ રાવળે પ્રથમ બેડમાં અને પછી ખંભાળિયામાં રાજધાની બદલી હતી આથી જો રાજધાની ખંભાળિયા રહે તો ઘણા ગામો દૂર રહી જાય આથી વહીવટ અને દેખરેખ મુશ્કેલ બને આથી રંગમતી અને નાગમતીના કિનારે જામનગર વસાવ્યાનું જાણવા મળે છે જામરાવળે નવુ નગર વસાવ્યુ તેની ‘નવાનગર’ કહેવાયુ હતું. એવુ કહેવાય છે કે, નગરની સ્થાપના સમયે બે કે ત્રણ થાંભલીઓ રોપવામાં આવી હતી જેમાં બે થાંભલીઓ દરબારગઢ પાસે તથા એક થાંભલી માંડવી ટાવર પાસે હોવાનું કહેવાય છે. એક થાંભલી દરબારગઢ નજીક દિલાવર સાઇકલ સ્ટોર્સ નામની દુકાનમાં છે જયાં આજે પણ જામનગરના સ્થાપના દિને જામનગરના સત્તાધીશો, રાજપૂત સમાજ પૂજા કરે છે બીજી થાંભલી દરબારગઢ નજીક શેઠના મકાનમાં હોવાનું કહેવાય છે માંડવી ટાવર પાસે કહેવાતી ત્રીજી થાંભલી હાલ મળી આવતી નથી. જામનગર વસ્યુ તે પહેલા સિઘ્ધનાથ, મણિનાગનાથ, સુખનાથ, જાગનાથ અને બાલનાથ મહાદેવના મંદિર તથા રોઝી માતા, વિશોતમાતાના સ્થાનકો જામનગરની સ્થાપના પહેલાના હોવાનું મનાય છે.
……………………………………………………………
હાલનું રણમલ અથવા લાખોટા તળાવ ઇ.સ.1820 થી ઇ.સ. 1852 વચ્ચે જામ રણમલજી બીજાએ બંધાવ્યાનું કહેવામાં આવે છે.
વિક્રમ સંવત 1895માં બંધાયેલો લાખોટો મહેલ પણ ભૂજિયા કોઠાની જેમ સ્થાપત્યનો સુંદર નમૂનો છે જામ રણમલ બીજાએ તળાવને વ્યવસ્થિત રીતે બંધાવ્યુ અહિ બુરજ અને ઝરૂખા જેવા કલાત્મક વિશ્રામ સ્થાન મૂકયા જેથી આ તળાવ રણમલ તળાવ કહેવાયુ પરંતુ વચ્ચે રહેલ લાખોટા તરીકે ઓળખાતા મહેલને કારણે તળાવ લાખોટા તળાવ તરીકે પણ જાણીતુ છે. તળાવ ભરવા માટે રંગમતી નદીનું વહેણ નહેર વાટે તળાવમાં વાળવામાં આવ્યું છે તળાવની પાળે આવેલ રણજીતસિંહની પ્રતિમાવાળાનું રણજિત મેમોરીયલ ઇ.સ.1932માં જામ રણજીતની હયાતીમાં જ તેમના શાસનને 25 વર્ષ પૂરા થતાં ઉજવાયેલ રજત મહોત્સવ પ્રસંગે બંધાયેલ છે.
………………………………………….
જામ રણમલ બીજાના સમયમાં સંવત 1890, 1895 અને 1902માં જામનગરમાં કારમાં દુષ્કાળ પડયા એક ધારા દુષ્કાળથી પીડાતી પ્રજાને રોજી આપવા માટે જામ રણમલજીએ કેટલાક બાંધકામ શરૂ કર્યા સૌથી મોટુ બાંધકામ ભૂજિયા કોઠાનું છે વિક્રમ સંવત 1882 આસો માસમાં ભૂજિયા કોઠાનો પાયો નખાયો હોવાનું અને વિક્રમ સંવત 1895 ભાદરવા માસમાં કોઠાનું બાંધકામ પૂર્ણ થયાનું મનાય છે આમ આ બાંધકામ માટે 13 વર્ષ લાગ્યા હતા ભૂજીયો કોઠો અને લાખોટા તળાવ શહેરની ઓળખનું પ્રતિક છે ભૂતકાળમાં કચ્છના નાના રણમાંથી ફતે મામદે નગર ઉપર કરેલી અવિરત ચડાઇઓ લક્ષમાં લઇને કચ્છ તરફની સરહદ ઉપર સતત ચોકી રહે અને તળાવના પડખામાંથી નગરમાં દુશ્મનો ઘૂસી ન આવે તે આશયથી પણ ભૂજિયા કોઠાનું બાંધકામ થયાનું મનાય છે આ ભૂજીયા કોઠાને રક્ષીત સ્મારક જાહેર કરાયું છે.
…………………………………………………….
નદીઓમાં રંગમતી અને નાગમતી નદીઓ આવેલી છે બંને બહેનો સમી નદીઓમાં નાગમતી મોટી છે અને રંગમતી નાની છે. રણજીતસાગર બંધાયો તે પૂર્વે મોટી નદી નાગમતીમાં સામાન્ય રીતે બારે માસ પાણી રહેતુ નદીમાં પાણીના મોટા ધૂના હતા તેમાંથી લોકો પીવાનું અને વાપરવાનું પાણી ભરતા એક સમયે આહ વ્હાણો પણ ચાલતા શ્રાવણ વદ સાતમ, આઠમ અને નોમના ત્રણ દિવસ સુધી નાગેશ્ર્વર મહાદેવ મંદિર આજુબાજુ મોટો મેળો ભરાતો નદીના પટમાં યોજાતો શ્રાવણી મેળો માણવા જામનગર શહેર તથા જિલ્લાભરમાંથી લોકો ઉમટતા
……………………………………………………..
જામ રણજીતસિંહજીએ નાગમતી નદી પર બંધ બાંધવાનો નિર્ણય કર્યો જેનું શિલારોપણ બિકાનેરના રાજવી ગંગાસિંહના હસ્તે થયું હતું જેથી તે સમયે ‘ગંગાસાગર’ નામ રાખવાનું નકકી થયું પરંતુ જામ રણજિતસિંહનું 1933માં અવસાન થયું ત્યારે આ કામ ચાલુ હતું ડેમ ઇ.સ. 1938માં બંધાઇ રહેતા સ્વર્ગસ્થ રાજવીની સ્મૃતિમાં તેનું નામ રણજિત સાગર રાખવામાં આવ્યું છે આ રણજીતસાગર હાલમાં જામનગર શહેરને પીવાનું પાણી પુરૂ પાડે છે અને જામનગરની જીવાદોરી સમાન છે.
……………………………..
મહારાજા રણજિતસિંહએ ગાદીમાં આવ્યા પછી ક્રિકેટ બંગલા સાથેનું ગ્રાઉન્ડ તૈયાર કરાવ્યુ રણજિતસિંહના સગા કાકા કેસરીસિંહની પુત્રીના લગ્ન ધ્રાંગધ્રા નરેશ અજિતસિંહ સાથે આ અરસામાં થયા હોવાથી બનેવીને સન્માનવા ક્રિકેટ બંગલા તથા મેદાનનું નામ અજિતસિંહજી પેવેલીયન આપવામાં આવ્યું હતું.
…………………………………………………………….
જામ રણજીતસિંહના સમયમાં લાલબંગલાનો ઉપયોગ રાજના બ્રીટીશ મહેમાનોને ઉતરવા માટે થતો હતો. લાલબંગલાના દરવાજા આગળ બે ઘોડેશ્ર્વાર પોલીસ હાથમાં ભાલા સાથે ઉભા રહેતા લાલબંગલામાં જ્યાં ડીવાયએસપી કચેરી છે તે તથા તેનો ઉપરનો ભાગ રાજના મહેમાનોના રસોડા માટે વપરાતો હતો. જેને આપણે હાલમાં સરકીટ હાઉસ તરીકે ઓળખીએ છીએ.
…………………………………………………………………………………………………..
વિક્રમ સવંત 1926માં જામનગરમાં ચલણ તરીકે કોરી નો અમલ હતો આ સિકકો 331 વર્ષ સુધી ચલણમાં રહ્યો હતો. ઇ.સ. 1863માં સુનાની કોરીઓ ચલણમાં મુકાઇ પરંતુ તેની નકલ થવા લાગતા ચલણમાંથી પાછી ખેંચી લેવી પડી. ઇ.સ. 1905-06 કોરીનું ચલણ સદંતર બંધ થયું અને અંગ્રેજ સરકારનું ચલણ સંપૂર્ણપણે અમલી બન્યું ઇ.સ. 1908થી રાજ્યનું પોતાનું તાંબાનું ચલણ પણ પાછુ ખેંચાય ગયું સમગ્ર કાઠીયાવાડનો વહિવટી દોર અંગ્રેજોએ સંભાળતા ગાયકવાડી રૂપિયો પણ ચલણમાંથી બંધ થયો માત્ર બ્રિટીશ સરકારનું ચલણ અમલમાં રહ્યું. બ્રિટીશ રૂપિયો અડધો રૂપિયો, આઠ આની, પાવલી, બે આની, એક આનો સહિતના સિકકા હતાં.
……………………………………………………………………………….
જામનગરનું વિશ્ર્વ વિખ્યાત અને ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવનાર બાલા હનુમાન સંર્કિન મંદિર જામનગરની આગવી ઓળખ છે અહિં ચાલતી અખંડ રામધુન ભૂકંપ, વરસાદ, કોરોના, ગરમી કોઇપણ સંજોગો હોય રામધુન ચાલુ જ રહે છે.
જામનગરે અનેક આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો આપ્યા
જામનગરના રાજવી એવા જામ રણજિતસિંહને એક રાજા તરીકે યાદ રાખવાને બદલે એક મહાન ક્રિકેટર તરીકે સમગ્ર ભારતની જનતા યાદ રાખશે જામ રણજિતસિંહને ક્રિકેટ રમવાનો ખૂબ શોખ હતો તેમની ક્રિકેટની રમતને તે સમયના તમામ ક્રિકેટ વિવેચકોએ વખાણી હતી તેમના નામે રમાતી રણજી ટ્રોફી પ્રચલિત છે. રણજિતસિંહ ઉપરાંત દુલીપસિંહ, સલીમ દુરાની, વિનુ માંકડ, અજય જાડેજા, ઇશાક ખુરેશી, રવિન્દ્ર જાડેજા સાહેબના અનેક ક્રિકેટરો જામનગરનું ગૌરવ છે ઇ.સ. 1935 થી રણજી ટ્રોફીની શરૂઆત થઇ હતી 1936માં જામનગર રણજી ટ્રોફી ચેમ્પિયન થયુ હતું.
ઇસવીસન પ્રમાણે રાજગાદીનો સમયાનુ ક્રમ
(1) જામ રાવળ – 1540-1562
(ર) જામ વિભોજી – 1562-1569
(3) જામ સત્રસાલ (સતાજી-1) 1569-1608
(4) જામ જસાજી-1 – 1608-1624
(પ) જામ લાખાજી-1 – 1624-1645
(6) જામ રણમલજી-1 -1645-1661
(7) જામ રાયસિંહજી-1 -1661-1664
(8) મુસ્લિમ શાસન-1 – 1664-1673
(9) જામ તમાચી-1 – 1973-1690
(10) જામ લાખાજી-2 – 1690-1709
(11) જામ રાયસિંહજી-2 – 1709-1718
(12) જામ હરધોળજી – 1718-1727
(13) જામ તમાચી-2 – 1727-1748
(14) જામ લાખાજી-3 – 1748-1768
(15) જામ જસાજી-2 – 1768-1814
(16) જામ સતાજી-2 – 1814-1820
(17) જામ રણમલજી-2 – 1820-1852
(18) જામ વિભોજી-2 – 1852-1895
(19) એડમિનિસ્ટ્રેટર – 1895-1903
(20) જામ જશવંતસિંહજી – 1903-1906
(21) જામ રણજિતસિંહજી – 1907-1933
(22) જામ દિગ્વિજયસિંહજી – 1933-1947
………………………………………………………………………
રાજવી પરિવારના રાજવી દિગ્વીજયસિંહજીના પુત્ર શત્રુસલ્યજી હાલમાં જામનગરમાં વસવાટ કરી રહ્યા છે.
……………………………………………..
જામનગર શહેરની આંતરીક રચનાની વાત કરીએ તો જુનુ શહેર ફળીઓ અને ડેલામાં વહેચાયેલું હતું કોઇ એક ડેલામાં સંયુકત કુટુંબનો વિસ્તરેલો પરિવાર વસતો હતો અથવા વચ્ચે એક ફળિયુ અને આજુબાજુ ઘર હતા. આવા ચાર-પાંચ ફળિયાને જોડતો વચ્ચે એક ચકલો અથવા ચોક પડતો હતો. કોઇ એક જ જ્ઞાતિની મોટી વસ્તી જે વિસ્તારમાં હોય તેને તે જ્ઞાતિની ‘વાડ’ અથવા વાડો કહેવાતો વિસ્તાર થોડો નાનો હોય તો ‘પા’ કહેવાતો આ રીતે જુનુ જામનગર ફળી, ડેલા, ચકલા, વાડો, વાડ, પા થી રચાયેલુ હતું જે નામો આજે પણ આપણે જોઇ શકીએ
ફળી :- વંડાફળી, મોટુ ફળી, બાજરીયા ફળી, દાવલશા ફળી, રાજગોર ફળી, ગાજર ફળી, બારોટ ફળી, શેઠ ફળી, મઠ ફળી, ચારણ ફળી, ખેત્રી ફળી, ચૌહાણ ફળી, તળાવ ફળી, કોટવાળ ફળી, ટીંબા ફળી સહિતના અનેક
ડેલા :- ઓઝાનો ડેલો, વજુ કંદઇનો ડેલો, ધનબાઇનો ડેલો, સહિતના અનેક
ચકલા :- આણદાબાવાનો ચકલો, નાગર ચકલો, ભાવસાર ચકલો, ખારવા ચકલો, કાજી ચકલો સહિતના અનેક
વાડ :- ભણશાલીવાડ, ખોજાવાડ, લંધાવાડ, પટ્ટણીવાડ, સેતાવાડ, કડિયાવાડ, ઘાંચીવાડ, પખાલીવાડ સહિતના અનેક
પા :- ભરવાડપા, નદીપા સહિતના અનેક
વાડો :- કુંભારવાડો, ભોઇવાડો, વાઘેરવાડો, સહિતના અનેક
બજાર :- ચાંદી બજાર, સોની બજાર, લીંડી બજાર, સહિતના અનેક
શેરી :- હાથીભાઇની શેરી, પીપળા શેરી, મણિયાર શેરી, પીપળા શેરી, સીદીપીરની શેરી, સવાભાઇની શેરી સહિતના અનેક
ચોક :- દેવુભાનો ચોક, જલાની જારનો ચોક, દરબારગઢ ચોક, કરશનભાઇનો ચોક, સહિતના અનેક
………………………………….
જામનગર શહેરમાં બાગ-બગીચા, વૃક્ષો, મંદિરો, મસ્જીદો, દેરાસરો સહિતના ધાર્મિક સ્થળોનો જુનો નાતો છે. જામનગરનું સૌદર્ય કાંઇક અલગ જ છે તેમાં પણ જામનગરનો માનવી એટલે મોજીલો માનવી જામનગરમાં ધર્મમય વાતાવરણ છવાયેલું રહેલું છે. જામનગરવાસીઓ કોઇપણ તહેવાર હોય તમામ દુ:ખ દર્દ ભુલી પારીવારીક મનદુ:ખો ભુલી ઉમંગ અને ઉત્સાહ સાથે તહેવારોની ઉજવણી કરે છે. નોકરી, ધંધા અર્થે વ્યસ્ત રહેતા શહેરીજનો મંદિરોમાં દર્શન કરી ઇશ્ર્વરને શિશ ઝુકાવવાનું ભુલતા નથી. રવિવારની રજા હોય એટલે શહેરીજનો ફરવાનું રખેપણ ન ચૂકે હરવા-ફરવાની સાથે જામનગરવાસીઓ ખાણીપીણીમાં પણ કયાંથી પાછળ રહે જામનગરના ઘુઘરા હોય કે પછી ગાંઠીયા, ખાણીપીણીના શોખીન આ શહેરીજનો વારતહેવારે, રજાના દિવસોમાં ફરવા નિકળે… ફરવા નિકળે ત્યારે સુંદર વસ્ત્રો અને પરફયુમની સુગંધ જોઇએ જ, જામનગર શહેરમાં આજે પણ કેટલીક એવી દુકાનો અને ખાણી-પીણીની ચીજ વસ્તુઓ છે જે દાયકાઓથી દુકાનના માલીકના નામે પ્રખ્યાત છે જેમાં ત્રીકમબેચરનો મેસુબ હોય, એચ.જે. વ્યાસની મીઠાઇ હોય, દિલીપના ઘુઘરા હોય, મનુભાઇના પાન, જામ વિજયની કચોરી, વલ્લભાના પેંડા, મહાવીરની બાંધણી, આ ઉપરાંત જામનગરનું સુડી, કાજલ, સહિતની અનેક ચીજવસ્તુઓની આગવી ઓળખ છે.
જામનગરવાસીઓએ દુષ્કાળ, અતિવૃષ્ટિ, ભૂકંપ, વાવાઝોડા, કોરોના, સહિતની અનેક આફતો જોઇ છે અને આ આફતો સામે પણ મકકમમને લડયા છે. અને અડીખમ રહ્યા છે ત્યારે આજના આ જામનગરના 486માં સ્થાપના દિને ‘ખબર ગુજરાત’ પરિવાર પણ સમગ્ર જામનગરવાસીઓને શુભકામનાઓ પાઠવે છે.
(સંદર્ભ : નગર નવાનગર જામનગર : હરકિશન જોષી, જામનગરનો ઇતિહાસ વર્ણવીએ તેટલો ટુંકો પડે અહિં માત્ર કેટલાક અંશ જ રજૂ કરાયા છે)


