ધ્રોલ તાલુકાના વાંકિયા ગામના વાડી વિસ્તારમાં ખેતમજૂરી કરતાં આદિવાસી પરિવારની બે પુત્રી અને અન્ય યુવાનનો પુત્ર સહિતના ત્રણ બાળકો રમતાં રમતાં પાણીના ખાડામાં પડી જતાં ડૂબી જવાથી ત્રણેય બાળકોના મોત નિપજયાની ઘટનાથી પંથકમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી. પોલીસે હોસ્પિટલ પહોંચી ત્રણેય બાળકોના મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
View this post on Instagram
અરેરાટીજનક બનાવની વિગત મુજબ મઘ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કથિવાડા તાલુકાના ડુંગરિયા ગામના વતની અને હાલ ધ્રોલ તાલુકાના વાંકિયા ગામની સીમમાં આવેલા મેરાભાઇ ઝાપડાના ખેતરમાં મજૂરીકામ કરતાં વિનુભાઇ ગોરધનભાઇ ભંડોરિયા (ઉ.વ.25) નામના યુવાનના ત્રણ સંતાનો દીકરી સકિનાબેન (ઉ.વ.4), પીનુબેન (ઉ.વ.2) તથા કેશુભાઇ ભીલ નામના આદિવાસી યુવાનનો પુત્ર વિશાલ (ઉ.વ.3) નામના ત્રણેય માસુમ બાળકો ગઇકાલે સાંજના સમયે તેના ખેતરમાં રમતાં હતાં. ત્યારે રમતાં રમતાં અકસ્માતે ખેતરની બાજુમાં આવેલા પાણીના ખાડામાં પડી જતાં ડૂબી ગયા હતા. ત્રણેય માસુમ બાળકો પાણીમાં ડૂબી જવાથી બેશુદ્ધ થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં બાળકોના પરિવારજનો સહિતના આજુબાજુના ખેતરમાં કામ કરતાં શ્રમિકો દોડી આવ્યા હતા. તાત્કાલિક ત્રણેય બાળકોને બહાર કાઢી ધ્રોલની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ત્રણેય બાળકોનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.
વાંકિયા ગામમાં એકસાથે બે શ્રમિક પરિવારોના ત્રણ માસુમ બાળકોના પાણીના ખાડામાં ડૂબી જવાથી મોતની ઘટનાએ અરેરાટી ફેલાવી દીધી હતી. બન્ને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બનાવની જાણ થતાં હે.કો. જે. કે. દલસાણિયા તથા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો. ત્રણેય બાળકોના મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની જાણ થતાં વાંકિયા ગામના સરપંચ સહિતના આગેવાનો હોસ્પિટલે દોડી ગયા હતા.


