પોરબંદર શહેરમાં રહેતા મહિલાને રૂપિયા બનાવવાના મશીનની લોન અપાવી દેવાના બહાને વિશ્વાસમાં લઇ પેઢીના દસ્તાવેજોના આધારે રૂા. 2,05,000ની લોન મેળવી છેતરપિંડી આચરનાર શખ્સ સામે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતાં અને વ્યવસાયી મહિલા હિનાબેન વિમલભાઇ ઉંજિયા (ઉ.વ.35)ને તેણીને રૂપિયા બનાવવાના મશીનની લોન કરાવી દેવાના બહાને જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા ઘનશ્યામ મોહન ખોખાણી નામના શખ્સે તેનું મકાન મહિલાને ભાડે આપે તેવો કરાર કરી મહિલાના નામની શિવ એન્ટરપ્રાઇઝ પેઢી બનાવી મહિલાના ડોક્યુમેન્ટના આધારે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાંથી રૂા. 2,05,000ની લોન મેળવી હતી. આ લોન મેળવીને રૂપિયા બનાવવાનું મશીન પણ આપ્યું ન હતું. મહિલાને તેની સાથે છેતરપિંડી થયાનું જણાતા આ બનાવ અંગે સિટી ‘સી’ ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઇ એસ. એમ. સિસોદિયા તથા સ્ટાફએ ઘનશ્યામ સામે છેતરપિંડીનો ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.


