Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારયાત્રાધામ દ્વારકામાંથી કૂટણખાનુ ઝડપાયું

યાત્રાધામ દ્વારકામાંથી કૂટણખાનુ ઝડપાયું

મહિલા અને કિન્નરની ધરપકડ : દેહ વ્યાપારમાં ધકેલાયેલી અન્ય ત્રણ મહિલાઓનું રેસ્ક્યૂ કરાયું

યાત્રાધામ દ્વારકામાં ગેરકાયદેસર રીતે થતી દેહ વ્યાપારની પ્રવૃત્તિ અંગે સ્થાનિક પોલીસે કાર્યવાહી કરી એક મુસ્લિમ આધેડ મહિલા તેમજ તેના સાગરીત એવા એક કિન્નરની અટકાયત કરી લેવામાં આવી હતી. આ સાથે અન્ય ત્રણ મહિલાઓને દેહવ્યાપારની પ્રવૃત્તિથી બચાવી લેવામાં આવી છે.

- Advertisement -

આ અંગેની મળતી વિગત મુજબ દ્વારકા પોલીસની પાસે શુક્રવારે એક મહિલાએ આવીને પોતાનું શારીરિક શોષણ થતું હોવાની ફરિયાદ રજૂ કરવામાં આવી હતી. આને અનુલક્ષીને દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન મુજબ પી.આઈ. આકાશ બારસિયા તેમજ તેમની ટીમ દ્વારા દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં દરોડો પાડીને આ સ્થળે રહેતા જુબીબેન જુસબભાઈ ઓસમાણભાઈ શેખ (ઉ.વ.50) નામના મહિલા દ્વારા પોતાના ઘરે બહારથી સ્ત્રીઓને બોલાવીને વેશ્યાવૃતિનું કુટણખાનું ચલાવવામાં આવતું હોવાનું ખુલવા પામ્યું હતું. અહીં ઉપરોક્ત મહિલાએ તેના અન્ય એક સાથી એવા સુલતાન ઉર્ફે ખુશ્બુ જુનસભાઈ અંબાળા (ઉ.વ. 28) નામના કિન્નરની સાથે મળીને આર્થિક રીતે મજબૂર સ્ત્રીઓને રૂપિયાની લાલચ આપી, વિવિધ રીતે લલચાવીને બહારથી વેશ્યાવૃતિનો ધંધો કરવા માટે સ્ત્રીઓ અહીં બોલાવવામાં આવતી હતી. જ્યાં અન્ય વ્યક્તિ મેળવી આપીને તેની પાસે વેશ્યાવૃત્તિનો ધંધો કરાવી અને આ રીતે આવી પ્રવૃત્તિ દ્વારા પોતાનું ગુજરાન ચલાવાતું હતું.

આરોપી મહિલા તેમજ તેની સાથેના કિન્નર દ્વારા પોતાના મકાનનો કુટણખાના તરીકે ઉપયોગ કરી અને આવી આર્થિક રીતે મજબૂર સ્ત્રીઓને પોતાના ઘરમાં વેશ્યાવૃત્તિનો ધંધો કરવા માટે ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવામાં આવી હોવાનું જાહેર થયું હતું. અહીં રહેલી ત્રણ મજબૂર સ્ત્રીઓને પોલીસે છોડાવી અને કાયદેસરની કાર્યવાહી કરી, આરોપી જુબીબેન શેખ અને કિન્નર સુલતાન ઉર્ફે ખુશ્બુ જુનસભાઈની અટકાયત કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણ અંગે આગળની તપાસ દ્વારકાના પી.આઈ. એ.એલ. બારસીયા ચલાવી રહ્યા છે. ત્યારે ધર્મનગરી દ્વારકામાં કુટણખાના જેવી ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિએ આ વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular