જામજોધપુર તાલુકાના નાળિયેરીનેશ પાટણ ગામમાં માલધારી યુવાનના પિતરાઇની પત્નીને અન્ય શખ્સ સાથે અનૈતિક સંબંધો સંદર્ભે સમજાવવા જતાં આઠ શખ્સોએ યુવાન ઉપર લાકડીઓ વડે આડેધડ માર મારી જીવલેણ હુમલો કર્યો હતો. સામાપક્ષે પણ માલધારી યુવાન ઉપર પાંચ શખ્સોએ પાઇપ, લાકડી વડે આડેધડ માર મારી ધમકી આપ્યાના બનાવમાં સામસામી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સામાસામા હુમલાના બનાવની વિગત મુજબ જામજોધપુર તાલુકાના પાટણ નજીક નાળિયારીનેશમાં રહેતાં હરસુર જીવા ટાલિયાની પત્ની સોનલબેન ઉર્ફે સોનીબેનને દેવસુર આલસુર ટાલિયા સાથે અનૈતિક સંબંધો હતા. જે અંગે હરસુરના પિતરાઇ નારણભાઇ વાલાભાઇ ટાલિયાને શંકા હોય તેથી રાત્રિના સમયે નારણભાઇ તથા ડાયાભાઇ બન્ને સોનલબેન અને દેવસુરને મળતાં જોઇ ગયા હતા. જે બાબતે દેવસુરને સમજાવતાં આ બાબતનો ખાર રાખી ગુરૂવારે સવારના સમયે દેવસુર આલસુર ટાલિયા, બીજલ લાખા ટાલિયા, સાજણ બીજલ ટાલિયા, કમલેશ આલસુર ટાલિયા, આલસુર લાખા ટાલિયા, પાલા લાખા ટાલિયા, મેશુર કારા ટાલિયા, આલસુર માણસુર ટાલિયા સહિતના આઠ શખ્સોએ એકસંપ કરી, ગેરકાયદેસર મંડળી રચી લાકડીઓ વડે નારણભાઇ ટાલિયા ઉપર આડેધડ લાકડીઓના ઘા ઝિંકી માથામાં તથા શરીરે માર માર્યો હતો. નારણભાઇના પિતરાઇ હરસુર, ડાયાભાઇ અને ભીમાભાઇ ઉપર લાકડીઓ વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલો કરાતા સામાપક્ષે નારણ વાલા ટાલિયા, ભીમા જીવા ટાલિયા, હરસુખ જીવા ટાલિયા, ડાયા ગોવા ટાલિયા, રાણા પુંજા ટાલિયા નામના પાંચ શખ્સોએ પાલા લાખા ટાલિયા ઉપર લાકડીઓ અને પાઇપ વડે આડેધડ હુમલો કર્યો હતો. વચ્ચે પડેલા બીજલ લાખા અને કમલેશ તથા સાજણ ઉપર લાકડીઓ વડે આડેધડ માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
સામસામા કરાયેલા હુમલામાં અડધો ડઝનથી વધુ વ્યકિતઓ ઘવાયા હતા. અનૈતિક સંબંધોમાં કરાયેલા હુમલા અંગેની જાણ થતાં પીએસઆઇ એચ. બી. વડાવિયા તથા સ્ટાફએ નારણભાઇ ટાલિયાના નિવેદનના આધારે હત્યાના પ્રયાસનો આઠ શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી અને સામાપક્ષે પાલા ટાલિયાના નિવેદનના આધારે પાંચ શખ્સો વિરૂઘ્ધ હુમલો કરી ધમકી આપ્યાના બનાવમાં સામસામી ફરિયાદ નોંધી હતી.


