જામનગર શહેરના હવાઇચોક વિસ્તારમાં રહેતા મહિલા તેના બે પુત્રો સાથે માતા-પિતાના ઘરેથી તેના ઘરે જતા હતા ત્યારે મહાકાળી સર્કલ નજીક સ્પીડબ્રેકર આવતાં એક્સેસ ધીમું કરતાં પાછળથી પુરપાટ આવતી કારે ઠોકર મારતાં એક બાળકને ગંભીર અને અન્ય બન્નેને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી.
અકસ્માતના બનાવની મળતી વિગત મુજબ જામનગરમાં હવાઇચોક વિસ્તારમાં આવેલા રિધ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતાં ડિમ્પલબેન પારસભાઇ નાકર (ઉ.વ.29) નામના મહિલા ગત્ તા. 20ના રાત્રિના સમયે ઢીંચડા રોડ પર મહાદેવનગર વિસ્તારમાં આવેલા તેણીના પિયરે મળવા ગયા હતા. ત્યાંથી તેના જીજે10-સીએચ-8187 નંબરના એકસેસ પર ધૈર્ય અને ભવ્ય નામના બન્ને પુત્રો સાથે ઘર તરફ જતા હતા ત્યારે 80 ફુટ રીંગ રોડ, મહાકાળી સર્કલ નજીક પહોંચ્યા ત્યારે સ્પીડબ્રેકર ક્રોસ કરવા માટે એકસેસ ધીમું કરતા પાછળથી પુરપાટ આવી રહેલા જીજે10-ટી-9139 નંબરની બોલેરો કારના ચાલકે બાઇકને ઠોકર મારી હતી. જેથી અકસ્માતમાં મહિલા તથા તેના બન્ને પુત્રો એક્સેસ પરથી નીચે પડી ગયા હતા. અકસ્માત બાદ બોલેરો ચાલક નાશી ગયો હતો. ત્યારબાદ માતા અને બન્ને પુત્રોને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મહિલા અને તેના પુત્ર ધૈર્યને સામાન્ય ઇજા પહોંચી હતી. જ્યારે પુત્ર ભવ્યને ફેફસા તથા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી.
અકસ્માતના બનાવ અંગે મહિલા દ્વારા જાણ કરાતા પોલીસે બોલેરો ચાલક વિરૂઘ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.


